કેજરીવાલની મફત વીજળીની જાહેરાત પર હવે કોંગ્રેસે પણ કહ્યું, “દેશ માટે રેવડી કલચર યોગ્ય નથી”
અરવિંદ કેજરીવાલની મફત વીજળીની જાહેરાત પર ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ પ્રહાર કર્યા છે
VALSAD : અરવિંદ કેજરીવાલની મફત વીજળીની જાહેરાત પર ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ પ્રહાર કર્યા છે અને કહ્યું કે રેવડી કલચર એટલે કે મફતની રાજનીતિ દેશની રાજનીતિ માટે યોગ્ય નથી. આજે 21 જુલાઈએ સુરતમાં સર્વિંદ કેજરીવાલે જાહેરાત કરી કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો નાગરિકોને 300 યુનિટ વીજળી મફત મળશે. આ જાહેરાત બાદ કોંગ્રેસે અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કર્યા છે.
દેશ માટે રેવડી કલચર યોગ્ય નથી - સુખરામ રાઠવા
કોંગ્રેસ ધારાસભ્ય તેમજ વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ અરવિદ કેજરીવાલ પર પ્રહાર કર્યા. વલસાડના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સુખરામ રાઠવા સહિત કોંગ્રેસના અન્ય હોદ્દેદારો નિરિક્ષણ કરવા આવ્યા હતા, જ્યાં તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સરકારની નીતિને લઈને તેમના દ્વારા આ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ઘણી જગ્યા એ સરકારી તંત્ર પહોંચ્યું નથી.
તો બીજી તરફ અરવિંદ કેજરીવાલની જાહેરાતને લઈને તેમને નિવેદન આપ્યું હતું કે આ મફતની રાજનીતિ દેશ માટે ખતરારૂપ છે. દેશની વ્યક્તિ સમૃદ્ધ બને ત્યારે દેશનો વિકાસ થાય. કેજરીવાલ માત્ર મતની રાજનીતી કરી રહ્યા છે અને મત મેળવવા માટે લાલચ આપી રહ્યા છે.
તો જગદીશ ઠાકોરના નિવેદન પર તેમને જણાવ્યું હતું આ પ્રશ્ન અંગે તેમને કોઈ જાણકારી નથી પરંતુ દેશની તિજોરી પર દરેક ભારત દેશના નાગરિકનો સમાન અધિકાર છે અને કયાં સંજોગોમાં આ નિવેદન જગદીશ ઠાકોરે આપ્યું તે સંજોગો પણ ચકાસવા પડે સાથે સાથે તમામ મીડિયા પર પણ આક્ષેપ કરી કહ્યું હતું કે મીડિયા અમારી પણ ઘણી ખબર નથી બતાવતી અમને પણ અનુભવ છે.
જગદીશ ઠાકોરે પણ કર્યા પ્રહાર
કેજરીવાલ પર પ્રહાર કરતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે જેમને ગુજરાતમાં રાજકીય જમીન બનાવવી છે એ આવા વચનો આપશે. આ સાથે જ તેમણે કહ્યું કે જ્યાં તે સત્તા પર છે ત્યાં પણ જનતા તેમને જોઈ રહી છે. તેમણે કહ્યું કે 15 વર્ષથી ચૂંટણી લડે છે અને શું પરિણામ આવ્યા છે એ સૌ જાણે છે.