BANASKANTHA : કોંગ્રેસ MLA ગેનીબેન ઠાકોરે પોતાની જ પાર્ટી પર આપી દીધું મોટું નિવેદન, જાણો શું કહ્યું
ગેનીબેને કહ્યું, “ગાંધી વિચારધારા વાળી છું પરંતુ ગાંધી વિચારધારા માનવામાં નહિ આવે તો ઝાંસીની રાણી બનતા પણ વાર નહીં કરૂ.”
BANASKANTHA : રાજ્યમાં અપૂરતી વીજળીને લઈને ખેડૂતો આક્રમક મૂડમાં છે. ખેતી માટે પૂરતી અને નિયમિત વીજળી આપવા માટે ખેડૂતો ધરણા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. બનાકાંઠાના વખા ખાતે ખેડૂતોએ ધરણા યોજ્યા. ખેડૂતોનું ધરણા પ્રદશન આક્રમક બનતા અનેક નેતાઓ અને ખેડૂત આગેવાનો ધરણા સ્થળે પહોંચી રહ્યા છે. વખા ખાતે ખેડૂતોના ધરણાને સમર્થન આપવા દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા એક કિલોમીટરની પદયાત્રા કરી પોતાના ખેડૂત સમર્થકો સાથે ઢોલ વગાડતાં પહોંચ્યા હતા, તો વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ પહોંચ્યા હતા. અહીં ગેનીબેન ઠાકોરે પોતાની જ પાર્ટી વિશે મોટું નિવેદન આપી દીધું.
કોંગ્રેસ વિશે જાણો શું કહ્યું ગેનીબેન ઠાકોરે
વખાખાતે ખેડૂતોના ધરણામાં પહોંચેલા વાવ ધારાસભ્ય ગેનીબેનને પોતાની જ પાર્ટી પર મોટું નિવેદન આપતા કહ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારને પણ આ ખેડૂતોએ જ હટાવી હતી કદાચ આ માંગણીઓ નહીં સ્વીકારય તો 30 વર્ષથી બેઠેલી આ સરકારને પણ આ ખેડૂતો જ હટાવતા વાર નહીં કરે. જે તે સમયે મીટર સહીતની માંગણીને લઇ ને જ કોંગ્રેસની સરકારને ખેડૂતોએ હટાવી હતી.
આ સાથે જ ગેનીબેને કહ્યું, “ અમે ધારાસભ્ય તરીકે નહીં ખેડૂત તરીકે આવ્યા છીએ. મારે પણ ત્રણ બોર છૅ કેવી પરિસ્થિતિ છૅ હું જાણુ છું.સોમવારે અમારે વિધાનસભામાં ખેડૂતો વતી જે લડત લડવી પડશે તે અમે લડીશુ.”
ગેનીબેને કહ્યું, “ગાંધી વિચારધારા વાળી છું પરંતુ ગાંધી વિચારધારા માનવામાં નહિ આવે તો ઝાંસીની રાણી બનતા પણ વાર નહીં કરૂ.”
વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની કરાઈ જાહેરાત
વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે તેમની ગતિવિધિ તેજ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસે તેના સંગઠનની યાદી જાહેર કરી છે. જેમા ઉપપ્રમુખ અને મહામંત્રીની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં 25 ઉપાધ્યક્ષ, 75 મહામંત્રી અને 5 પ્રોટોકોલ મંત્રીની જાહેરાત કરાઈ છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે નીરવ બક્ષીના નામની જાહેરાત કરાઈ છે. આ સાથે જ ગેનીબેન ઠાકોર, ડી.ડી.રાજપૂત, દિનેશ ગઢવી અને અંબાભાઈ સોલંકી, ઝાકીર ચૌહાણને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં સ્થાન અપાયું છે.