કોંગ્રેસના દિગ્ગજ યુવા નેતાએ ગુજરાતના પ્રભારી બનવાનો કરી દીધો સ્પષ્ટ ઈન્કાર, જાણો હવે ક્યા બે નેતામાંથી એકને સોંપાશે જવાબદારી ?
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતના પ્રભારીપદે મોહન પ્રકાશના નામની ભલામણ કરી હોવાનું કહેવાય છે.
અમદાવાદઃ રાજ્યસભાના સભ્ય રાજીવ સાતવનું કોરોનાના લીધે અવસાન થતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું પ્રભારીપદ હાલમાં ખાલી છે. કોરોનાના કેસો ઘટતાં કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીની નિમમઊક કરવાની તૈયારી શરૂ કરી છે. આ માટે સચિન પાયલોટની પસંદગી કરાઈ હતી પણ પાયલોટે સાફ ઈન્કાર કરી દીધો છે.
સોનિયા ગાંધી દ્વારા સચિન પાયલોટને ગુજરાતમાં કોંગ્રેસના પ્રભારી બનાવીને 2022ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષની કમાન સોંપવા નક્કી કરાયુ હતું પણ તેમણે આ જવાબદારી સ્વિકારવા ઈન્કાર કરી દીધો છે. સૂત્રોના મતે, કોંગ્રેસના યુવા નેતા સચિન પાયલોટને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી પદે નિયુક્ત કરવા ઓફર કરાઇ હતી પણ તેમણે ધરાર ઇન્કાર કરી દીધો છે. પાયલોટ રાજસ્થાનના રાજકારણમાં જ રહેવા માગે છે.
પાયલોટના ઈન્કાર પછી હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી તરીકે કોંગ્રેસના સિનીયર નેતા બી. કે. હરિપ્રસાદ , મોહન પ્રકાશ, મુકુલ વાસનિક અને અવિનાશ પાંડેનાં નામો ચર્ચાઇ રહ્યાં છે. બી.કે .હરિપ્રસાદ અગાઉ ગુજરાત કોંગ્રેસના પ્રભારીપદે સેવા આપી ચૂક્યાં છે. હરિપ્રસાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઉપરાંત સંગઠનના કાર્યકરોથી સારી રીકે વાકેફ છે. મોહન પ્રકાશ પણ ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકે રહી ચૂક્યાં છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતના પ્રભારીપદે મોહન પ્રકાશના નામની ભલામણ કરી હોવાનું કહેવાય છે. સિનીયર નેતા મુકુલ વાસનિકનું નામ પણ પ્રભારીની રેસમાં છે. હાલ વાસનિક મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રભારી પદે છે. અવિનાશ પાંડેનુ નામ પણ હાઇકમાન્ડના યાદીમાં છે પણ કોંગ્રેસનાં સૂત્રોના મતે, આ ચારેય નેતા પૈકી બી. કે. હરિપ્રસાદ અને મોહન પ્રકાશમાંથી કોઈ એકને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવાય તેવી સંભાવના છે.
કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી એકાદ-બે સપ્તાહમાં જ ગુજરાતમાં નવા પ્રદેશ પ્રભારીના નામની જાહેરાત થઇ શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે એકાદ વર્ષ બાકી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના નવા માળખાની ઝડપથી રચના કરાય એટલા માટે કોગ્રેસ હાઇકમાન્ડે નવા પ્રદેશ પ્રભારીની શોધખોળ આદરી છે.