ધંધુકાના કિશન ભરવાડની હત્યામાં સામેલ પાકિસ્તાનનો પક્ષ ‘તહરીક-એ-લબ્બૈક’ કેમ છે કુખ્યાત ? જાણો આખી કરમકુંડળી
વીકિપીડિયા મુજબ ‘તહરીક-એ-લબ્બૈક’પાકિસ્તાનમાં કટ્ટરપંથી-જમણેરી ઇસ્લામિક ઉગ્રવાદી રાજકીય પક્ષ છે. તેની સ્થાપના ઓગસ્ટ 2015માં ખાદિમ હુસૈન રિઝવી દ્વારા કરવામાં આવી હતી.
અમદાવાદઃ ધંધુકામાં કિશન બોળિયા નામના માલધારી યુવકની હત્યા કેસમાં દરરોજ નવા નવા ચોંકાવનારા ધડાકા થઈ રહ્યા છે. હવે આ કેસમાં હત્યાના તાર પાકિસ્તાન સુધી જતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ કેસમાં જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ થતાં અનેક ખુલાસા થયા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં પાકિસ્તાની કટ્ટરવાદી સંગઠનો સાથે મૌલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. આ સંગઠનો મુંબઈ, દિલ્લી અને યુપીમાં પણ કટ્ટરવાદી સંગઠન ચલાવતા હોવાની માહિતી બહાર આવી છે. તહેરીક-એ-નમૂસ-એ-રિસાલત નામનું સંગઠન આ હત્યા માટે જવાબદાર હોવાનું અનુમાન છે. આ સંગઠન પહેલાં તહેરીક-એ-ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતું હોવાનું અનુમાન છે.
કોણે કરી તહરીક-એ-લબ્બેકની સ્થાપના
આ સંગઠનના પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીક-એ-લબ્બેક સાથે સંબંધ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. વીકિપીડિયા મુજબ ‘તહરીક-એ-લબ્બૈક’પાકિસ્તાનમાં કટ્ટરપંથી-જમણેરી ઇસ્લામિક ઉગ્રવાદી રાજકીય પક્ષ છે. તેની સ્થાપના ઓગસ્ટ 2015માં ખાદિમ હુસૈન રિઝવી દ્વારા કરવામાં આવી હતી. 2018ની પાકિસ્તાની સામાન્ય ચૂંટણીમાં તે પાંચમી સૌથી મોટી પાર્ટી બની હતી.
પાકિસ્તાન સરકારે પ્રતિબંધ મૂક્યો ને ફરી પાછો હટાવ્યો
તહરીક-એ-લબૈકની શરૂઆત ઇસ્લામિક સામાજિક-રાજકીય ચળવળ તરીકે થઈ હતી. તહરીક-એ-લબૈક પાકિસ્તાનમાં ઈશનિંદા કાયદામાં કોઈપણ ફેરફાર સામે વિરોધ પ્રદર્શન માટે જાણીતું છે. પાકિસ્તાનમાં ધીમે ધીમે કાનૂની અને રાજકીય પ્રક્રિયા દ્વારા શરિયાને ઇસ્લામિક મૂળભૂત કાયદા તરીકે સ્થાપિત કરવામાં આવે તેવી આ સંગઠન માંગ કરે છે. પાર્ટીના મોટાભાગના સભ્યો બરેલવી ચળવળ સાથે જોડાયેલા છે અને તેણે 2018ની ચૂંટણીમાં 22 લાખથી વધુ મત મેળવ્યા હતા. પ્રતિબંધિત થયા પછી પણ TLPને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી અને કરાચી પેટાચૂંટણીમાં ત્રીજું સ્થાન મેળવ્યું. પાકિસ્તાન સરકારે 2021માં 15 એપ્રિલના રોજ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. 7 નવેમ્બર 2021ના રોજ, પાકિસ્તાન સરકારે TLPના પ્રોસ્રિબ્ડ સ્ટેટસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો અને તેનું સ્ટેટસ પૂર્વવત કર્યુ હતું.
તહરીક-એ-લબ્બેક સાથે જોડાયેલા વિવાદ
ખત્મ એ નબુવત બિલ
ઓક્ટોબર 2017 માં, પાકિસ્તાનની સરકારે તેના 2017 ચૂંટણી બિલમાં વિવાદાસ્પદ ભાષામાં ફેરફાર કર્યો હતો. ઇસ્લામિક તહરીક-એ-લબૈક પાકિસ્તાન અને તેના નેતા ખાદિમ હુસૈન રિઝવીએ નવી ભાષાનો સખત વિરોધ કર્યો, અને કાયદામાં ફેરફાર કરનારા પાકિસ્તાનના કાયદા અને ન્યાય પ્રધાન ઝાહિદ હમીદના રાજીનામાની માંગ કરી.
મંત્રીની હત્યાનો પ્રયાસ
મે 2018માં મંત્રી અહેસાન ઇકબાલને તેમના મતવિસ્તારમાં એક રાજકીય રેલીમાં ગોળી મારીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદ સર્જરી માટે તેમને નારોવાલથી લાહોર એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. હુમલાખોર તહરીક-એ-લબૈક સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું હતું, તેની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
માર્ચ 2019માં, બહાવલપુરની સરકારી સાદિક એગર્ટન કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થી ખતીબ હુસૈને એક જીવલેણ અથડામણમાં એસોસિયેટ પ્રોફેસર ખાલિદ હમીદને છરો માર્યો હતો. ખતીબ હુસૈન હત્યા પહેલા વકીલ અને TLPના વરિષ્ઠ સભ્ય ઝફર ગિલાનીના સંપર્કમાં હતો અને તેણે Whatsapp પર આ કૃત્ય માટે મંજૂરી મેળવી હતી.
2018 માં ચારસદ્દામાં ઇસ્લામિયા કોલેજના આચાર્ય સરીર અહેમદની 17 વર્ષીય વિદ્યાર્થી દ્વારા હત્યા કરવામાં આવી હતી. આચાર્યએ તેને વર્ગોમાં હાજર ન રહેવા બદલ ઠપકો આપ્યો હતો. મીડિયા ચેનલોના અહેવાલો અનુસાર, આચાર્યએ વિદ્યાર્થીને ટીએલપી દ્વારા યોજાયેલી રેલીઓમાં ભાગ લેવા વર્ગ છોડવા બદલ ઠપકો આપ્યો હતો. જેને લઈ તેણે આ કૃત્ય કર્યુ હતું.