Gujarat winter: શાળામાં ગરમ કપડાને લઈ પ્રાથમિક શિક્ષણ નિયામકનો પરિપત્ર, જાણો શું કહ્યું ?
રાજ્યમાં શિયાળાની શરુઆત થઈ ગઈ છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં ગરમ કપડાને લઈ પ્રાથમિક શિક્ષણ નિયામકે પરિપત્ર કર્યો છે.
ગાંધીનગર: રાજ્યમાં શિયાળાની શરુઆત થઈ ગઈ છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં ગરમ કપડાને લઈ પ્રાથમિક શિક્ષણ નિયામકે પરિપત્ર કર્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે શિયાળામાં વિદ્યાર્થી કોઈપણ પ્રકારના ગરમ કપડા પહેરીને આવે તે માન્ય રાખવા. ચોક્કસ પ્રકારના ગરમ કપડાં પહેરવા ફરજ પાડી શકાશે નહિ. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ જિલ્લાઓમા પત્ર કરી સુચના અપાઈ છે.
નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને આ પત્ર લખવામાં આવ્યો છે. શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીઓને ગરમ કપડા પહેરવાની છુટછાટ આપવા બાબતે આ પત્ર લખવામાં આવ્યો છે.
આ પત્રમાં જણાવાયુ છે કે, હાલ શિયાળાની ઋતુ શરુ થયેલ છે અને સાથે ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડા પહેરીને આવે તેને માન્ય રાખવા તેમજ કોઈ પણ શાળા વિદ્યાર્થીને ચોક્કસ પ્રકારના ગરમ કપડા પહેરવાની ફરજ પાડી શકશે નહી.
આ બાબતે આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓને આ અંગે જરુરી સૂચના આપવા જણાવવામાં આવે છે.
ગત વર્ષે રાજકોટની શાળામાં કડકડતી ઠંડી દરમિયાન એક વિદ્યાર્થિનીનું મૃત્યુ થયા બાદ સરકારી તંત્ર જાગ્યું હતું અને જિલ્લાઓને પોતાની રીતે શાળાઓનો સમય બદલવા શિક્ષણ વિભાગે સૂચના આપી હતી. તે સાથે શાળાઓ તેમના નિશ્વિત ડ્રેસ કોડ-યુનિફોર્મનો આગ્રહ ન રાખે અને ઠંડી સામે રક્ષણ મળે તે માટે અન્ય સ્વેટર કે ગરમ વસ્ત્ર પહેરી શકે તેની વિદ્યાર્થીઓને છૂટ મળે તે માટે પણ તાકીદ કરી હતી.
રાજ્યમાં હાલ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. દિવસે પણ લોકો ગરમ કપડામાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન રાજકોટમાં જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર જાહેર કર્યો છે. શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી રાજકોટની તમામ શાળાઓમાં ગરમ વસ્ત્રોને લઇ જિલ્લા શિક્ષણ અધિકારીએ બહાર પાડેલા પરિપત્ર મુજબ, વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ કલરના કે ડિઝાઇનના જેકેટ કે સ્વેટર પહેરવા ખાનગી સ્કૂલ મેનેજમેન્ટ દબાણ નહિ કરી શકે. ઠંડીથી રક્ષણ માટે વિદ્યાર્થીઓ પોતાના મનપસંદ ગરમ વસ્ત્રો પહેરી શકશે. ખાનગી શાળાઓ સ્કૂલના નિયત કરેલા સ્વેટર પહેરવા દબાણ નહિ કરી શકે.