નેશનલ ડોલ્ફિન ડે ૨૦૨૫: ગુજરાતનો દરિયો ડોલ્ફિન માટે વધુ સુરક્ષિત, ૬૮૦થી વધુ ડોલ્ફિનની હાજરી નોંધાઈ
Dolphin population in Gujarat: રાજ્યના ૪,૦૮૭ ચો.કિ.મી. દરિયાઈ વિસ્તારમાં ડોલ્ફિનની વસ્તીમાં વધારો, પર્યટન ક્ષેત્રે નવી તકો.

National Dolphin Day 2025: ગુજરાત માટે આનંદના સમાચાર છે કે રાજ્યનો દરિયાઈ વિસ્તાર ડોલ્ફિન માટે વધુ સુરક્ષિત બન્યો છે. ‘નેશનલ ડોલ્ફિન ડે’ની ઉજવણીના સમયે જાહેર થયેલા આંકડાઓ અનુસાર, રાજ્યના ૪,૦૮૭ ચોરસ કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં અંદાજે ૬૮૦ ડોલ્ફિનની હાજરી નોંધાઈ છે. આ માહિતી ગુજરાતના સમૃદ્ધ જળચર વારસાને ઉજાગર કરે છે.
દર વર્ષે ૧૪ એપ્રિલે ‘નેશનલ ડોલ્ફિન ડે’ની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ડોલ્ફિનનું મહત્વ, તેમની સુરક્ષા અને તેમના રહેઠાણોને વધુ સુરક્ષિત બનાવવા અંગે જાગૃતિ લાવવાનો છે. ગુજરાત, જે દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે, તે અનેક દુર્લભ જળચર પ્રાણીઓનું ઘર છે, જેમાં ડોલ્ફિન સૌથી સુંદર અને આકર્ષક છે.
તાજેતરમાં રાજ્યના વન વિભાગ દ્વારા કરવામાં આવેલી ‘ડોલ્ફિનની વસ્તી ગણતરી’માં આ સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને વન મંત્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં જળચર અને વન્યજીવ સંરક્ષણ માટેના વિશેષ પ્રયાસો સફળ રહ્યા છે. જેના પરિણામે ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં ડોલ્ફિનની નોંધપાત્ર હાજરી જોવા મળી છે, જે જળચર અને વન્યજીવ પ્રવાસન ક્ષેત્રે પણ ગુજરાત માટે એક મોટી સફળતા છે.
ગુજરાતમાં કચ્છથી ભાવનગર સુધીનો વિશાળ દરિયાકિનારો ડોલ્ફિનના કુદરતી નિવાસસ્થાન તરીકે ઓળખાય છે. ખાસ કરીને કચ્છના અખાતના દક્ષિણી ભાગમાં આવેલા મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીના ઓખાથી નવલખી સુધીના ૧,૩૮૪ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સૌથી વધુ ૪૯૮ ડોલ્ફિન હોવાની સંભાવના છે. આ ઉપરાંત, કચ્છના અખાતના ઉત્તર તરફના ૧,૮૨૧ ચોરસ કિલોમીટરમાં ૧૬૮, ભાવનગરના ૪૯૪ ચોરસ કિલોમીટરમાં ૧૦ અને મોરબીના ૩૮૮ ચોરસ કિલોમીટરમાં ૪ ડોલ્ફિન મળી આવી છે.
ડોલ્ફિન ‘સ્વસ્થ ઇકોસિસ્ટમ’ માટે ખૂબ જ મહત્વનું જળચર પ્રાણી છે. તે સમુદ્રી આહાર શૃંખલામાં ટોચના શિકારીઓમાંનું એક છે અને દરિયાઈ ઇકોસિસ્ટમનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. ગુજરાતના દરિયાકાંઠે જોવા મળતી ડોલ્ફિન ‘ઇન્ડીયન ઓસન હમ્પબેક ડોલ્ફિન’ પ્રજાતિની છે, જે પોતાની વિશિષ્ટ ખૂંધ અને પૂંછડીથી ઓળખાય છે. આ ડોલ્ફિન તેમના મૈત્રીપૂર્ણ સ્વભાવ માટે જાણીતી છે અને ઘણીવાર લહેરોમાં કૂદતી અને રમતી જોવા મળે છે, જે પ્રવાસીઓ માટે એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.
ઉલ્લેખનીય છે કે ડોલ્ફિન ‘માનવમિત્ર જળચર’ તરીકે પણ ઓળખાય છે અને તેનો બૌદ્ધિક તેમજ મનોરંજક સ્વભાવ દેશ અને વિદેશના પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે. ગુજરાતના કચ્છથી ભાવનગર સુધીના દરિયાકાંઠે ડોલ્ફિનને જોવાનો અનુભવ અત્યંત આનંદદાયક અને રોમાંચક હોય છે, જે રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ આપે છે.





















