મોબાઇલગ્રસ્ત બાળકોની સમસ્યામાં વહારે આવી 181 અભયમ, બાળકોની ખોટી આદતથી કંટાળ્યા હતા માતા-પિતા
સતત ઝઘડા અને સંઘર્ષથી કંટાળેલા માતા-પિતાને મળ્યો રાહતનો શ્વાસ, અભયમના કાઉન્સેલિંગથી બાળકોમાં આવ્યું પરિવર્તન.

Mobile Addiction in Children: આજના સમયમાં બાળકોમાં મોબાઈલ ફોન અને લેપટોપની લત એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા એક દંપતી પણ આ સમસ્યાથી ખૂબ જ પરેશાન હતું. તેમના બે સંતાનો, એક ૧૯ વર્ષની દીકરી જે આઈટીનો અભ્યાસ કરે છે અને એક ૨૦ વર્ષનો દીકરો જે સીએનો અભ્યાસ કરે છે, બંને મોબાઈલ અને લેપટોપના બંધાણી બની ગયા હતા. તેઓ અભ્યાસમાં ધ્યાન આપતા નહોતા અને માતા-પિતા સાથે પણ ખરાબ વર્તન કરતા હતા. આખરે કંટાળીને દંપતીએ ૧૮૧ અભયમ હેલ્પલાઈનની મદદ લીધી અને તેમની સમસ્યાનો સુખદ અંત આવ્યો.
આ દંપતી ફર્નિચરની દુકાન ચલાવે છે અને તેમણે પોતાના બાળકોને હંમેશા પ્રેમથી ઉછેર્યા હતા અને કોઈ પણ વસ્તુની કમી થવા દીધી નહોતી. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તેમના ઘરમાં સંઘર્ષ ચાલી રહ્યો હતો. દીકરી અને દીકરો બંને આખો દિવસ અભ્યાસના બહાને ફોન અને લેપટોપમાં વ્યસ્ત રહેતા હતા અને જ્યારે માતા-પિતા તેમને સમજાવવા જતા ત્યારે તેઓ તેમની સાથે બોલાચાલી કરતા હતા. એટલું જ નહીં, બંને સંતાનો પોતાના ફોનમાં લોક પણ રાખતા હતા. દંપતીનો દીકરો તેની સાથે ભણતી એક મિત્ર સાથે સતત ફોન અને વિડિયો કોલ પર વાત કરતો રહેતો હતો અને માતા-પિતાના સમજાવવાથી ગુસ્સે થઈ જતો હતો. દીકરીને જ્યારે માતા ઘરના કામમાં મદદ કરવાનું કહેતી ત્યારે તે પણ અભ્યાસનું બહાનું કાઢીને ફોન અને લેપટોપ લઈને બેસી જતી હતી. માતા-પિતા છેલ્લા ત્રણ વર્ષથી તેમને સમજાવીને થાકી ગયા હતા, જેના કારણે તેમણે આખરે ૧૮૧ અભયમની મદદ માંગી.
૧૮૧ અભયમની ટીમ તાત્કાલિક તેમના ઘરે પહોંચી અને માતા-પિતા સાથે વાતચીત કરી સમગ્ર પરિસ્થિતિ જાણી. ત્યારબાદ ટીમે દીકરી અને દીકરાનું કાઉન્સેલિંગ કર્યું. તેમણે બંનેને પ્રેમથી સમજાવ્યા અને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો. દીકરાને તેની મિત્ર વિશે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે તેમની વચ્ચે માત્ર મિત્રતાનો સંબંધ છે. અભયમની ટીમે દીકરાને તેના અભ્યાસ પર ધ્યાન આપવા અને ફોનનો યોગ્ય ઉપયોગ કરવા સમજાવ્યો. સાથે જ માતા-પિતા સાથે ખરાબ વર્તન ન કરવા અને ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરવા પણ શીખ આપી. દીકરીને પણ તેની પરીક્ષાઓ પૂરી થયા બાદ માતાને ઘરના કામમાં મદદ કરવા માટે સમજાવવામાં આવી.
અભયમ ટીમની સમજાવટથી બંને સંતાનોને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે ખાતરી આપી કે તેઓ હવેથી અભ્યાસમાં ધ્યાન આપશે અને ફોનનો ઉપયોગ ઓછો કરી દેશે. અભયમની ટીમે માતા-પિતાને પણ સમજાવ્યા કે તેઓ બાળકોને અભ્યાસ માટે ફોનનો ઉપયોગ કરવા દે. પોતાની સમસ્યાનો ઉકેલ આવતા આ દંપતીએ ૧૮૧ અભયમ ટીમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. તેમના ઘરમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલો સંઘર્ષ આખરે અભયમની મદદથી શાંત થયો. ૧૮૧ અભયમ હેલ્પલાઈન આવી અનેક મુશ્કેલીઓમાં લોકોની મદદ માટે હંમેશા તત્પર રહે છે.





















