SIR Voter List 2003: શું તમને 2003 ની મતદાર યાદી નથી મળી રહી? ચિંતા કરશો નહીં, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરો
11 ડિસેમ્બર સુધી લંબાઈ મુદત: SIR ફોર્મ ભરવા માટે જૂનો રેકોર્ડ શોધવો બન્યો સરળ, જાણો વેબસાઈટ પરથી યાદી મેળવવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ.

2003 voter list download: દેશભરમાં ચાલી રહેલી 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયાની મુદત હવે 11 December સુધી લંબાવવામાં આવી છે. નવી મતદાર યાદીમાં નામ ચાલુ રાખવા માટે 2003 ની સાલની જૂની યાદીમાં તમારું કે તમારા માતા-પિતાનું નામ હોવું જરૂરી છે. ઘણા નાગરિકોને આ જૂનો રેકોર્ડ શોધવામાં મુશ્કેલી પડી રહી છે. જો તમારી પાસે હાર્ડકોપી ન હોય, તો ગભરાવાની જરૂર નથી. તમે ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ પરથી 2003 ની યાદીની PDF ફાઈલ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો. આ લેખમાં અમે તમને તેની સરળ પ્રક્રિયા સમજાવીશું.
2003 ની યાદી કેમ મહત્વની છે?
4 November થી શરૂ થયેલી SIR પ્રક્રિયાનો મુખ્ય હેતુ મતદાર યાદીને શુદ્ધ કરવાનો છે. તમારી વંશાવળી સાબિત કરવા અને તમે ત્યાંના મૂળ રહીશ છો તે દર્શાવવા માટે 2003 ની મતદાર યાદીમાં તમારું અથવા તમારા વાલીનું નામ હોવું એક મહત્વનો પુરાવો ગણાય છે. આ રેકોર્ડના આધારે જ તમારું નામ 2025 ની નવી યાદીમાં કાયમ રાખવામાં આવશે.
ઓનલાઈન યાદી ડાઉનલોડ કરવાની પ્રક્રિયા
તમે બે રીતે જૂની યાદી મેળવી શકો છો: તમારા વિસ્તાર મુજબ અથવા નામ સર્ચ કરીને. નીચે મુજબના સ્ટેપ્સ અનુસરો:
સ્ટેપ 1: વેબસાઈટ ઓપન કરો સૌથી પહેલા તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં https://voters.eci.gov.in/ વેબસાઈટ ખોલો.
સ્ટેપ 2: સર્વિસ સેક્શન હોમપેજ પર ઉપરની બાજુએ આપેલા 'Services' (સેવાઓ) વિકલ્પમાં જાઓ. ત્યાં તમને 'Search your name in last SIR' (છેલ્લા SIR માં તમારું નામ શોધો) નો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.
પદ્ધતિ 1: વિસ્તાર મુજબ PDF ડાઉનલોડ કરો
- તમારું રાજ્ય (State), જિલ્લો (District) અને વિધાનસભા મતવિસ્તાર (Assembly Constituency) પસંદ કરો.
- ત્યારબાદ 'Final Roll' અથવા અંતિમ યાદી પર ક્લિક કરો.
- સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ નાખો.
- આમ કરતા જ તમારા વિસ્તારની 2003 ની આખી મતદાર યાદી PDF સ્વરૂપે ડાઉનલોડ થઈ જશે. તમે ફાઈલ ખોલીને તેમાં તમારું કે પરિવારનું નામ શોધી શકો છો.
પદ્ધતિ 2: નામ દ્વારા સર્ચ કરો
- રાજ્ય, જિલ્લો અને વિધાનસભા વિસ્તાર પસંદ કરો.
- 2002-2003 માં જે નામ ચાલતું હતું તે પૂરું નામ લખો.
- તમારા પિતા/માતા/પતિનું નામ અને સંબંધ પસંદ કરો.
- તે સમયની તમારી ઉંમર (અંદાજિત) નાખો.
- કેપ્ચા કોડ ભરીને સર્ચ કરો, તમારી વિગતો સ્ક્રીન પર આવી જશે.
વર્તમાન (2025) યાદી કેવી રીતે જોવી?
જો તમારે હાલની યાદીમાં તમારું નામ છે કે નહીં તે તપાસવું હોય, તો વેબસાઈટ પર 'E-Roll PDF' વિકલ્પમાં જઈને રાજ્ય અને જિલ્લો પસંદ કરીને લેટેસ્ટ લિસ્ટ ડાઉનલોડ કરી શકો છો.
SIR પ્રક્રિયા અને BLO ની મદદ
આ ઝુંબેશ અંતર્ગત 18 વર્ષથી ઉપરના નવા નામો ઉમેરવા, મૃતકોના નામો કમી કરવા અને ભૂલો સુધારવાનું કામ ચાલી રહ્યું છે. જો તમે ઓનલાઈન યાદી મેળવી શકતા નથી અથવા તમારું નામ નથી મળતું, તો તાત્કાલિક તમારા વિસ્તારના BLO (બૂથ લેવલ ઓફિસર) નો સંપર્ક કરો. તેઓ હાલ ઘરે-ઘરે ફરી રહ્યા છે. યાદ રાખજો, આ પ્રક્રિયામાં બેદરકારી રાખવાથી તમારું નામ મતદાર યાદીમાંથી રદ થઈ શકે છે.





















