રાજકોટ તોડકાંડઃ 'PI, PSI અને રાઈટર સસ્પેન્ડ થાય તો પોલીસ કમિશનરને કેમ નહી?'
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે તોડકાંડનો મામલો ફરી ચગ્યો છે.
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે તોડકાંડનો મામલો ફરી ચગ્યો છે. હવે આ કેસના ફરિયાદી બિલ્ડર જગજીવન સખીયાએ ફરી મુદ્દો ઉઠાવતાં કહ્યું છે કે, જો આ કેસમાં પોલીસ ઈન્સપેક્ટર (PI), PSI અને રાઈટર સસ્પેન્ડ થાય છે તો પોલીસ કમિશનર કેમ સસ્પેન્ડ નથી થતા.
જગજીવન સખીયાએ શું માંગ કરીઃ
આજે મીડિયા સાથે કરેલી વાતચીતમાં રાજકોટ પોલીસ કમિશનર તોડ કાંડના ફરિયાદી જગજીવન સખીયાએ માંગ કરી હતી કે પોલીસ કમિશનરને પણ સસ્પેન્ડ કરવામાં આવે. સખીયાએ વધુમાં કહ્યું હતું કે, રાજકોટના પૂર્વ પલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે આકરાં પગલાં લેવાય તો જ ભ્રષ્ટાચાર અટકશે. સખીયાએ એ પણ આક્ષેપ લગાવ્યો કે, મનોજ અગ્રવાલ મારા કેસમાં દખલ પણ કરી શકે છે.
શું થઈ હતી કાર્યવાહીઃ
આ પહેલાં ફરિયાદી જગજીવન સખીયાએ અગાઉ સરકારે લીધેલાં પગલાંથી સંતોષ વ્યક્ત કર્યો હતો. રાજકોટના તોડકાંડ બાદ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવી હતી. મનોજ અગ્રવાલને SRPF ટ્રેનિંગ સેન્ટર જૂનાગઢના પ્રિન્સિપલ તરીકે બદલી કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજકોટ પોલીસ કમિશનર ઈન્ચાર્જ તરીકે ખુર્શીદ અહેમદને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઇ વિરલ ગઢવી અને પીએસઆઈ એસ.બી.સાખરા તેમજ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
તોડકાંડ મામલે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની 10 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર સ્થિત પોલીસ કરાઈ એકેડમી ખાતે પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં મનોજ અગ્રવાલ પર 75 લાખ રૂપિયાની કટકી માટે વિકાસ સહાય દ્વારા પૂછપરછ કરાઈ હતી. નોંધનીય છે કે, ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ અને સ્થાનિક બિલ્ડરોએ જ રોજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઉપર રૂપિયા 75 લાખની કટકી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે ગોવિદ પટેલે રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી હતી. જે બાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તપાસ કમિટી રચીને તપાસ હાથ ધરાઈ હતી. આ સમય દરમિયાન ગાંધીનગર સીઆઈડીની ટીમે પણ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ધામા નાંખીને તપાસ હાથ ધરી હતી.