ખેડૂત નેતા ટિકૈત 4 એપ્રિલે ગુજરાતમાં, રૂપાણી સરકાર રોકશે તો શું કરવાની આપી ચીમકી ?
દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનના આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકૈત તા.4થી એપ્રિલે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. રાકેશ ટિકેત બારડોલી અને પાલનપુરમાં આયોજિત ખેડૂત સંમેલનને સંબોધશે.
અમદાવાદઃ કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ (PM Modi Home State) ગુજરાતમાં ખેડૂત આંદોલનના (Farmers Protests) શરૂ થાય તેવા ભણકારાં વાગી રહ્યાં છે. દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનના આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) તા.4થી એપ્રિલે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. રાકેશ ટિકૈત બારડોલી અને પાલનપુરમાં આયોજિત ખેડૂત સંમેલનને સંબોધશે.
મિટ્ટી સત્યાગ્રહ મુદ્દે સામાજિક કાર્યકર શબનમ હાશમી અને કિસાને નેતા સુનિલમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું, કૃષિ કાયદાને લઈ ખેડૂતો સાથે 11 વખત બેઠક યોજાઈ હતી. એક તરફ સરકાર કાયદામા ફેરફાર કરવાનું કહે છે પણ ખેડૂતોને સાથે રાખી બદવાલ નથી કરતી. અમારી એક જ માંગ છે કે કૃષિ કાયદા રદ કરો. 4 એપ્રિલે ટિકૈત ગુજરાત આવી રહ્યા છે. રાકેશ ટિકેત ગુજરાતના ખેડૂતો સાથે ચર્ચા પણ કરશે. આ દરમિયાન જો તેમને રોકવામાં આવશે તો દેશના ખેડૂતો જવાબ આપશે
રાકેશ ટિકૈતનો ગુજરાત કાર્યક્રમ
4 એપ્રિલે અંબાજી (Ambaji) દર્શન કરી બે દિવસના પ્રવાસની શરૂઆત કરશે. જે બાદ પાલનપુર ખાતે કિસાન સંમેલન યોજશે અને ઊંઝામાં પાટીદારના કુળદેવી ઉમિયા માતાને (Umiya Mata) શીશ નમાવશે. જ્યારે ગાંધીનગરમાં રાત્રી રોકાણ કરશે. 5 એપ્રિલે ગાંધી આશ્રમની (Gandhi Ashram) મુલાકાત લેશે. કરમસદમાં સરદાર સ્મારકની (Sardar Smarak) મુલાકાત લેશે અને બારડોલીમાં કિસાન સંમેલનને સંબોધન કરશે.
રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ
બુધવારે રાજ્યમાં Coronaના ૨,૩૬૦ નવા કેસ નોંધાયા હતા જ્યારે અમદાવાદ-સુરતમાંથી ૩, ખેડા-મહીસાગર-વડોદરામાંથી ૧-૧ના એમ કુલ ૯ વ્યક્તિના Coronaથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં હાલ ૧૨,૬૧૦ એક્ટિવ કેસ છે જ્યારે ૧૫૨ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ કેસનો આંક હવે ૩,૦૭,૬૯૮ જ્યારે કુલ મરણાંક ૪,૫૧૯ છે. આ પૈકી માર્ચ મહિનામાં જ ૩૭,૮૦૯ કેસ નોંધાયા છે જ્યારે ૧૦૯ના મૃત્યુ થયા છે. રાજ્યમાં ચિંતાજનક વાત એ છે કે, એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 12610 પર પહોંચ્યો છે. જેમાંથી 152 લોકો વેન્ટિલેટર પર અને 12458 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં Coronaથી રિકવરી રેટ 94.43 ટકા પર પહોંચ્યો છે.