News: ખાતરની અછત મુદ્દે મોટા સમાચાર, અછતવાળા વિસ્તારોમાં પહેલા મળશે ખાતર, ખેડૂતો ફોનથી માંગી શકશે મદદ
Gandhinagar News: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાતરની અછતને લઇને ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ક્યાંક વિરોધ તો ક્યાંક આંદોલન થઇ રહ્યાં છે

Gandhinagar News: ગુજરાતમાં ખાતરની અછતને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે કેન્દ્રમાંથી મળતા ખાતરના જથ્થાના વિતરણ માટે તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ કન્ટ્રૉલ રૂમ ઉભા કર્યા છે અને ખેડૂતો ફોન નંબર દ્વારા અહીંથી ખાતર માટે મદદ માંગી શકે છે. હાલમાં થોડાક દિવસો પૂરતા દરરોજ કેન્દ્રમાંથી 8 થી 10 મેટ્રિક ટન ખાતર મળી રહ્યું છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાતરની અછતને લઇને ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ક્યાંક વિરોધ તો ક્યાંક આંદોલન થઇ રહ્યાં છે. હવે આ બધાની વચ્ચે ગુજરાતમાં ખાતરની અછતને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. માહિતી પ્રમાણે, ખાતરની અછત ઓછી કરવા માટે રાજ્ય સરકારે ખાસ વ્યવસ્થા કરી છે, કેન્દ્રમાંથી અત્યારે થોડાક દિવસો સુધી દરરોજ 8 થી 10 મેટ્રિક ટન ખાતરનો જથ્થો મળતો રહેશે, અને ગુજરાતના કેન્દ્રો પર અત્યારે 1 લાખ મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ઠેર ઠેર ખાતર પહોંચાડવા માટે ખાસ કન્ટ્રૉલ રૂમ ઉભા કરાયા છે. ખેડૂતો તાલુકા, જિલ્લા અને રાજ્યના નંબરો પર ખાતર માટે જાણ કરી શકે છે, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના કન્ટ્રૉલ રૂમ પર ખેડૂતો ખાતર માટે મદદ માંગી શકે છે.
રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં ચાલુ વર્ષે 82.35% વિસ્તારમાં જ વાવેતર થયું છે, ગયા વર્ષે કુલ 73.72 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયુ હતુ અને ચાલુ વર્ષે 70.47 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, ડાંગરનું 7.17 લાખ હેક્ટર વિસ્તારમાં થયું વાવેતર અને બાજરીનું 1.53 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, રાજ્યમાં ચાલુ વર્ષે જુવારનું વાવેતર ઘટ્યું છે, ગયા વર્ષે 15 હજાર હેક્ટરમાં જુવારનું વાવેતર થયું હતુ, ચાલુ વર્ષે માત્ર 5 હજાર હેક્ટર વિસ્તારમાં જુવારનું વાવેતર થયું છે.
2.64 લાખ હેક્ટર વિસ્તારમાં મકાઈનું વાવેતર થયું
કઠોળનું કુલ વાવેતર 2.96 લાખ હેક્ટર વિસ્તારમાં થયું છે, ગયા વર્ષે કઠોળનું 3.39 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, રાજ્યમાં મગફળીના વાવેતરમા વધારો થયો છે, આ વર્ષે 20.41 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે, તેલીબિયાં પાકોના વાવેતરમાં આ વર્ષે વધારો થયો છે, ચાલુ વર્ષે 25.75 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, 20.35 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે, 2 લાખ હેક્ટર વિસ્તારમાં શાકભાજીનું વાવેતર થયું છે.
ખાતરની રાજ્યમાં ક્યાંય સંગ્રહખોરી કે કાળાબજારી ન થાય તેની દેખરેખ માટે વિશેષ અધિકારીની નિમણૂંક
ખેતી માટે જરૂરિયાત મુજબ ખેડૂતોને સમયસર અને પૂરતું ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સપ્લાય પ્લાન મુજબ ખાતરનો જથ્થો વિવિધ જિલ્લામાં વિતરણ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં જિલ્લાવાર અને તાલુકાવાર ફાળવવામાં આવતા ખાતરના જથ્થાની વિતરણ વ્યવસ્થાની રાજ્ય કક્ષાએથી કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિતના રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી ખેડૂતોને જરૂરિયાત મુજબનો ખાતરનો જથ્થો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ખાતરની રાજ્યમાં ક્યાંય સંગ્રહખોરી ન થાય, કાળા બજારી ન થાય, વધુ ભાવે વેચાણ ન થાય તેમજ સપ્લાય પ્લાન મુજબ દરેક જિલ્લા-તાલુકાને પૂરતું ખાતર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
ખેડૂતોને જરૂર પૂરતું જ ખાતર ખરીદવા અને વણજોઈતી સંગ્રહખોરી ન કરવા કૃષિ મંત્રીએ ખાસ અનુરોધ કર્યો
ખાતર વિતરણ સંદર્ભે ખેડૂતોની ફરિયાદ– રજૂઆત માહિતી માટે રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અધિક કલેકટર કક્ષાના વિશેષ અધિકારીની નિમણૂંક પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારની માગણી અનુસાર ભારત સરકાર દ્વારા તબક્કાવાર ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે, ત્યારે કૃષિ મંત્રી દ્વારા રાજ્યના ખેડૂતોને જરૂર પૂરતું જ ખાતર ખરીદવા અને વણજોઈતી સંગ્રહખોરી ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મગફળી જેવા પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે નાઈટ્રોજન યુક્ત ખાતર તરીકે યુરિયા ખાતરનો વધુ ઉપયોગ ના કરવા ભલામણ કરેલી છે. ડાંગર પાકમાં પણ નાઈટ્રોજન યુક્ત ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટના ઉપયોગની ભલામણ કરવામાં આવી છે.



















