NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રની તપાસ માટે SITની રચના, મોટા ખુલાસા થવાની શક્યતા
નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. પંચમહાલ એસપી, ગોધરા ડીવાયએસપી, બે પીઆઈ અને એક પીએસઆઈનો સમાવેશ કરાયો છે.
પંચમહાલ: નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. પંચમહાલ એસપી, ગોધરા ડીવાયએસપી, બે પીઆઈ અને એક પીએસઆઈનો સમાવેશ કરાયો છે.SITની ટીમે પરશુરામ રોયની પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત વડોદરામાં પરશુરામની રોય ઓવરસીઝમાંથી કમ્પ્યુટર, લેપટોપ અને અન્ય દસ્તાવેજો જપ્ત કર્યા છે. આ ઉપરાંત તુષાર ભટ્ટ અને આરીફ વોરાની ધરપકડ માટે અલગ અલગ ટીમો તપાસમાં લાગી છે.
આ તરફ ચોરીના રેકેટનો ષડયંત્રકાર અને સેન્ટર સુપ્રિટેન્ડન્ટ તુષાર ભટ્ટને લઈ ચોંકાવનારી હક્કીત સામે આવી છે. તુષાર ભટ્ટ ઝારખંડની રાજકીય સંસ્થાઓ સાથે પણ જોડાયેલો હોવાનો ઘટસ્ફોટ થયો છે. તુષાર ભટ્ટ વર્ષ 2023માં પસમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘ રજીસ્ટર, મૂળ ઝારખંડના સંઘના અને મધ્ય ગુજરાતના વિસ્તારક બનાવવામાં આવ્યા હતાં. પ્રચારક તરીકે યોજાયેલી વર્ચ્યુઅલ મીટિંગમાં પણ તે જોડાયા હોય તેવા ફોટો સામે આવ્યા છે. તુષાર ભટ્ટ અને આરીફ વોરા હજુ પણ પોલીસ પકડની બહાર છે. ત્યારે જો તુષાર ભટ્ટ પકડાય તો મોટા ખુલાસા થવાની પ્રબળ શક્યતાઓ છે.
ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતિનો મામલામાં વડોદરામાં મોડી રાત્રે ગોધરા પોલીસે રોય ઓવરસીઝમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યુ. પોલીસે મહત્વના દસ્તાવેજ કબ્જે લઇ ઓફિસ સીલ કરી દીધી છે. રોય ઓવરસીઝના સંચાલક પરશુરામ રોયની વડોદરા અને મુંબઈમાં કન્સલટન્સી છે. પરશુરામ રોય મેડિકલ એડમિશનનું માર્ગદર્શન આપે છે. છેલ્લા 20 વર્ષથી પરશુરામ રોય કન્સલટન્સી ચલાવી રહ્યો છે. નીટની પરીક્ષાના ચોરી કાંડમાં પરશુરામે વિદ્યાર્થીઓના નામો મોકલાવ્યા હતા.હવે વડોદરા SOG એ પરશુરામ રોયને ગોધરા પોલીસને સોંપ્યો છે.
NEETની પરીક્ષામાં ચોરી કેસમાં જલારામ શાળાના શિક્ષક અને મુખ્ય સૂત્રધાર તુષાર ભટ્ટને ત્વરીત અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. તુષાર ભટ્ટ ગોધરાની જય જલારામ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. પરીક્ષામાં ગેરરિતીના ખુલાસા બાદ કરાયેલી તપાસમાં તુષાર ભટ્ટની ગાડીમાંથી રૂપિયા 7 લાખ રોકડા મળ્યા હતા.
જલારામ શાળાના ચેરમેને તુષાર ભટ્ટ સામે થયેલા આરોપો ફગાવ્યા છે. સાથે જ દાવો કર્યો કે નીટની પરીક્ષામાં ગેરરીતિ થવાની કોઇ શક્યતા જ નથી. દીક્ષિત પટેલનું માનવું છે કે, પરીક્ષા સમયે જ નહીં, પરંતુ પરીક્ષા બાદ પણ કોઈપણ સંજોગોમાં ચોરી થઈ શકે એમ જ નથી. જોકે તેઓએ પરીક્ષાના દિવસે 7 લાખ રૂપિયા મળ્યાની વાતને સ્વીકારી હતી.
મહત્વનું છે કે પંચમહાલના ગોધરામાં લેવાયેલ NEETની પરીક્ષામાં ચોરી કરાવવાનું કૌભાંડ સામે આવતા ગુજરાતભરમાં ચકચાર મચી ગઈ છે. ગોધરામાં પરવડીની જય જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવ્યું હતું. જ્યાં વિદ્યાર્થીઓ પાસેથી 10-10 લાખ લઈ ચોરી કરાવવામાં આવી હોવાની માહિતી મળી છે.