Dahod: ઓઇલ ડેપો ફેક્ટરીમાં ફૂડ અધિકારીની ઓળખ આપી ચાર શખ્સોએ રેડ કરી, અસલી પોલીસ આવી અને.....
દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે આવેલ ઓઇલ ડેપો ફેક્ટરીમાં ફુડ અધિકારીની ઓળખ આપી ઉઘરાણુ કરવા આવેલા ચારને પોલીસે ઝડપી પાડ્યા હતા.
દાહોદ: દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે આવેલ ઓઇલ ડેપો ફેક્ટરીમાં ફુડ અધિકારીની ઓળખ આપી ઉઘરાણુ કરવા આવેલા ચારને પોલીસે ઝડપી પાડ્યા હતા. બી ડિવીઝન પોલીસે પાંચ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. રીલાયન્સ સ્ટેટ શ્રી મહાલક્ષ્મી ઓઇલ ડેપો નામની ફેક્ટરીના માલિક નીરજ રેવાચંદ મામનાણી ગતરોજ ફેક્ટરી પર હાજર હતા. તે દરમિયાન ચાર અજાણ્યા શખ્સો આવી ફુડ સેફ્ટી ઓફીસર હોવાની ઓળખ આપી તમે ડુપ્લીકેટ ઘી બનાવો છો તમારી ફેક્ટરી ઉપર રેડ કરવા આવી હોવાનું જણાવ્યું હતું.
નીરજ મામનાણીએ તેમને ઓળખકાર્ડ બતાવવાનું કહેતા ઓળખ કાર્ડ ગાડીમાં છે બીજા અધિકારી લઇને આવે છે તેમ કહી ફેક્ટરીમાં તપાસ કરવા લાગ્યા હતા. નકલી અધિકારી બનીને આવેલા લોકોએ કહ્યું કે તમે ડુપ્લીકેટ ઘી બનાવો છો તમારા ઉપર કેસ કરીએ છીએ અને કેસ ન કરવા દેવો હોય તો તમારે રૂપિયા આપવા પડે તેવી વાત કરી હતી. ચારેય વ્યક્તિઓ તપાસ કરી ફેક્ટરીની બહાર નિકળતાં નીરજ મામનાણીએ બી ડિવીઝન પોલીસને જાણ કરી હતી. દાહોદ બી ડિવીઝન ઇન્ચાર્જ પી.આઇ ડી.ડી.પઢીયાર તથા દાહોદ બી ડિવીઝન પોલીસ મથકનો સ્ટાફ ઉસરવાણ ખાતે મહાલક્ષ્મી ઓઇલ ડેપો ફેક્ટરીએ તપાસમાં જતાં ફેક્ટરી બહાર ચાર માણસો ઉભા હતા.
પોલીસે ઓળખ કાર્ડ માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યા
PIએ ચારેયની પુછપરછ કરતાં અને તેમની પાસે ઓળખ કાર્ડ માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. જેથી ચારેય જણા બનાવટી હોવાનું જણાતા તેમની પુછપરછ અને અંગઝડતી કરતાં ઇન્દોરના પપ્પુ રામનરેશ ચૌહાણ પાસેથી તેના પેન્ટના ખિસ્સામાંથી લોડેડ એક માઉઝર મળી આવી હતી. માઉઝર અને કારતુસ વિશે પુછતાં ઇન્દોરના નંદાનગરના પપ્પુ રામનરેશ ચૌહાણ પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. 5000 રૂની માઉઝર અને 200 રૂપિયાના 4 નંગ કારતુસ તેમજ ચારેય પાસે 5 મોબાઇલ જેની કિમત 21,500 રૂ. અને 30,000 રૂ.નો એક કેમેરો મળી 56,700 રૂપિયાના મુદ્દામાલ સાથે ઇન્દોરના વૈભવ રમેશ ચૌહાણ, સુનીલ મોહનલાલ નાગર, રોહીત રાજેન્દ્ર પરમાર, પ્રવેશ ઉમેશ ચૌહાણની ધરપકડ કરી હતી. આ સંદર્ભે નીરજ રેવાચંદ મામનાણીએ ફરિયાદ નોંધાવતા બી ડિવીઝન પોલીસે ઝડપાયેલા ચાર તથા તમંચો આપનાર સહિત પાંચ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.