ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-4: દાણચોરીનો દરિયો પોરબંદર
દાણચોરીમાં સોનુ ચાંદી,સિગારેટ અને ઈલેકટ્રોનિક આઈટમોને જહાજમાં છૂપાવીને ઘૂસાડવમાં આવતી હતી. બાદમાં તેનું સ્થાન હથિયારોએ લીધું જે ક્રમશ વર્ષો બાદ આરડીએકસ અને ડ્રગ્સની દાણચોરી સુઘી પહોચી ગયું.
ભાગ -1માં આપણે પોરંબદર શહેર ,મહારાજા,મહાત્મા ગાંધીની જન્મભૂમી વિશે વાચ્યું, ભાગ-2માં અહિંસાના પુજારી મહાત્મા ગાંધીના આ શહેર કે જેને રાજવી નટવરસિંહે પેરિસ બનાવવાનુ સ્વપ્ન જોયુ હતુ તે મીની શિકાગો તરીકે કેમ ઓળખાયુ તે અંગે વાંચ્યું. જ્યારે ભાગ-3માં પોરબંદરના પ્રખ્યાત રાણો,પાણો અને ભાણો અને ખમીરવંતા ખારવાના ઈતિહાસ વિશે વાત કરી. આજે ભાગ-4માં પોરબંદરમાં અપરાધના અગ્નિપથ અને ગુનેગારોના અફાટ દરિયા વિશે વાત કરીશું.
દાણચોરીનો દરિયો
1960 અને 70 ના દાયકામાં ભારતમાં મુક્ત અર્થતંત્રનું અસ્તિત્વ ન હતું. અમીર વર્ગના લોકોમાં વિવિધ મોંઘી વિદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો એક સ્ટેટસ ગણાતું હતું. આવી વસ્તુઓની માંગને પહોંચી વળવા તેને ભારતમાં લાવવાનો એકમાત્ર રસ્તો હતો દાણચોરી. તે સમયે વહાણ મારફતે દાણચોરો ભારતમાં સોનુ, ચાંદી, કાપડ,સિગારેટ,ટેપરેકોર્ડર,કેસેટ,અને કાંડા ઘડિયાળ વગેરે જેવી ચીજવસ્તુઓ લાવતા. જો કે બદલાતા સમય સાથે દાણચોરો બદલાયા અને તેમની ધંધાની રીત અને નિયત પણ બગડી. દરિયામાર્ગે સોનું, ચાંદી,કાપડ,સિગારેટ, ઘડિયાળ,અને ટેપરોકોર્ડર જેવી વસ્તુઓને જહાજમાં છૂપાવીને દાણચોરી કરતા. પહેલા થતી દાણચોરીમાં સોનુ ચાંદી,સિગારેટ અને ઈલેકટ્રોનિક આઈટમોને જહાજમાં છૂપાવીને દાણચોરી મારફતે ઘુસાડવામાં આવતી હતી. બાદમાં તેનું સ્થાન હથિયારોએ લીધું જે ક્રમશ વર્ષો બાદ આરડીએકસ અને ડ્રગ્સની દાણચોરી સુઘી પહોચી ગયું.
દરિયાદિલીના દમે દાણચોરી
હથિયારની દાણચોરીમાં ખૂબ ઓછા સમયમાં રુપિયાની મબલખ આવક જોઈ દાણચોરોની હિંમત પણ વધી. વિશાળ દરિયાની માફક પોતાની કાળી કમાણીની આવકથી દરિયાની માફક રૂપિયાની રેલમછેલ કરતા થયા. પોતાનુ વર્ચસ્વ જાળવી રાખવા ગરીબોમાં દાન કરવાના બહાને તેમની દરિયાદિલી વધી અને તેમના મસીહા બનવા લાગ્યા. પોતાની કાળી આવકની કમાણી હવે સ્થાનિક રાજનેતા માટે વાપરવા લાગ્યા. દાણચોરીમાં સરળતા રહે તે માટે ચૂંટણી સમયે નેતાઓ માટે ખર્ચો કરી તેમના ઈશારે કામગીરી કરે એવા કસ્ટમ અને પોલીસ અધિકારીઓની નિમણુંક કરાવવા લાગ્યા. આમ રાજકીય નેતા પાછળ ખર્ચેલા રૂપિયાનું યોગ્ય વળતર મેળવવામાં દાણચોરો ખૂબ પાવરધા બનતા ગયા.
દાણચોરીના લેન્ડિંગ પોઈન્ટ
પોરબંદરથી દ્વારકા જવાના રસ્તે કુછડી, રાતડી, વિસાવાડા, ટુકડા,અને હર્ષદ મીંયાણી સુધીનો દરિયા કાંઠો દાણચોરીના લેન્ડિંગ પોઇન્ટ માટે કુખ્યાત હતા. બીજી તરફ પોરબંદરથી માધવપુર વચ્ચેના ઓડદર, ગોસાબાર, નવી બંદર, મોચા, બળેજ જેવા દરિયાઈ વિસ્તારો હતા જયાં આસાનીથી દાણચોરીનો સામાન ઉતારી શકાતો. દાણચોરો પોતાના ધંધાને ખૂબ સારી રીતે ચલાવી શકે તે માટે અહીં પોસ્ટિંગ ધરાવતા કસ્ટમ અને પોલીસના અધિકારીઓ સાથે સારી એવી સાંઠ-ગાંઠ સાધી રાખતા. દાણચોરો વહાણો મારફતે પોતાની ખેપ સફળતા પૂર્વક પાર પાડી શકે તે માટે ઘડિયાળો,કિંમતી સ્પ્રે,અને સાબુ સહિતની મોંઘીદાટ ભેટ સોગાતો કસ્ટમ અને પોલીસના અધિકારીઓને આપતા હતા. જો કે આ સમયે મજબુતસિંહજી જાડેજા જેવા બાહોશ નખશીખ પ્રમાણિક પોલીસ અધિકારીઓ પણ હતા કે જે આવા દાણચોર કે રાજનેતાની ભલામણ કયારેય ગણકારતા નહીં. પેલી કહેવત છે ને કે વાડ ચિભડાં ગળે તેમ આવા પ્રમાણિક અધિકારીઓ સામે એવા અધિકારીઓ પણ હતા જેમને પોતાની મનપસંદ પોસ્ટીંગ જાળવી રાખવા તેમજ મોંઘી વિદેશી ચિજવસ્તુઓ વાપરવાની લાલચને લઈ ઉચ્ચ અધિકારોની સૂચના છતા આંખ આડા કાન કરતા. પરિણામ એ આવ્યુ કે પોરબંદર જેવા અનેક શહેરોમાં ગુનાખોરી તો વધી પરંતુ સાથે સાથે આવા બે નંબરી ધંધાને વેગ મળ્યો.
(મજબુતસિંહજી જાડેજા તત્કાલિન ડીએસપી જૂનાગઢ)
અપરાધનો અગ્નિપથ
1960-70ના સમયમાં પોરબંદરનો સમુદ્ર કિનારો દાણચોરો માટે સ્વર્ગ સમાન હતો. વિશાળ ઘુઘવતા અરબી સમુદ્રે પોતાના મોજાના માર વચ્ચે અનેક દાણચોરોનો ઉદય અને અસ્ત જોયા. વર્ષ 1990માં અમિતાભ બચ્ચનની ફિલ્મ અગ્નિપથ રિલીઝ થઈ હતી. મુકુલ એસ આનંદ ર્નિદેશીત આ ફિલ્મ મુંબઈના માફિયા પર આધારીત છે. આ ફિલ્મમાં અભિનેતા ડેની અને અમિતાભ બચ્ચન વચ્ચેનો ડાયલોગ છે. ડેની અભિતાભને પૂછે છે 'કયા ચાહતે હો' , અમિતાભ જવાબ આપે છે, 'માંડવા', ડેની કહે છે, 'માંડવા મેં કયા મિલેગા તુમે',અમિતાભ ખૂબ શાંતિથી જવાબ દે છે, 'વહીં જો શિમોગા મે મિલેગા, દમણ મેં મિલેગા, જો પોરબંદર ,જેસલમેર,ધનબાદ મેં મિલેગા'.
ગુનેગારોનો અફાટ દરિયો
બસ આ ડાયલોગ ડિલિવરીની માફક પોરબંદરની ઓળખ અહીં થી શરુ થાય છે .1960 થી 1970 માં પોરબંદર દરિયા કિનારે સોનું,ચાંદી,કાપડ અને સિગારેટ સહિતની દાણચોરી માટે ખૂબ નામ ધરાવતું હતું. અહીં અનેક વખત કસ્ટમ અને પોલીસ સાથે મળી દાણચોરોની ખેપ પકડતી તો કયારેક દાણચોરીનો સામાન લેન્ડીંગ પોઈન્ટ પર ઉતારવામાં દાણચોરો સફળ પણ રહેતા. 70ના દાયકામાં દાણચોરી માટે કુખ્યાત હતુ પોરબંદર.
(શૂટ અને ચશ્મા પહેરેલા પોરબંદરના પહેલા ખારવા ડોન નારણ મેપા લોઢારી)
ઘુંઘવતા દરિયા વચ્ચે ધરબાયેલુ રહસ્ય
પોરબંદરના દરિયામાં અનેક રહસ્યો ધરબાયેલા છે. પોરબંદર નજીકના સમુદ્રના પેટાળમાં અનેક જહાજોએ જળસમાધિ લીધી છે. આવો જ એક કિસ્સો મહાત્મા ગાંધી સાથે સંકળાયેલો છે જે ખુબ ઓછા લોકો જાણે છે. વર્ષ 1903માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આઝાદીની ચળવળ માટે જયારે આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે એસ.એસ.ખૈદિવ નામના જહાજમાં આવ્યા હતા. એ જહાજ એસ.એસ.ખૈદિવ દાદા અબ્દુલા નામના વેપારીનું હતું. ભારત અને દક્ષિણ આફ્રિકામાં દાદા અબ્દુલ્લા એન્ડ કંપની ધરાવતા આ વેપારીએ આઝાદીની ચળવળમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. એવુ કહેવાય છે કે દાદા અબ્દુલ્લાના આર્થિક યોગદાનને રોકવા માટે અંગ્રેજોએ તેમના અલગ અલગ ત્રણ જહાજોને મધદરિયે સમાધિ અપાવી દીધી હતી. આ પૈકીનુ એક જહાજ એસ.એસ.ખૈદિવ પોરબંદરના સુભાષનગર પાસેના કિનારે ડૂબી ગયું. આ જહાજના કબજાને લઈને છેલ્લા ઘણા સમયથી પોરબંદરની કોર્ટમાં કાનૂની પ્રક્રિયા પણ ચાલી રહી છે. મદુરાઈ સ્થિત દાદા અબ્દુલ્લાના પ્રપૌત્રે આ ડૂબેલા જહાજના કબ્જા માટે દાવો કર્યો છે તો બીજી તરફ પીઠ રાજનેતા સ્વર્ગીય પેથલજીભાઈ ચાવડાએ જે તે સમયે જૂનાગઢ કલેકટરે પોતાને જહાજનો કબ્જો આપ્યો હોવાનો દાવો કર્યો હતો. પેથલજી ચાવડા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના પિતા છે. પોરબંદર અને આસપાસના દરિયા કિનારે આવા અનેક જહાજોએ જળ સમાધિ લીધી છે.
આ હતી અફાટ દરિયા અને દાણચોરીની વાત.ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-5માં આપણે જાણીશુ પહેલા ખારવા ડોન નારણ મેપા અને તેના ખાસ સાગરીત નારણ સુધા અંગે.....
એક સમયે દાણચોરી માટે કુખ્યાત હતું પોરબંદર, માફિયાઓના રાજમાં જેલો કરવી પડતી બંધ (ભાગ-1)
ગેંગ્સ ઓફ પોરબંદર પાર્ટ 2 : ગાંધીજીની જન્મભૂમિ કઈ રીતે બની હિંસાનું કેંદ્ર
ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ -3: પોરબંદરના પ્રખ્યાત રાણો,પાણો અને ભાણો અને ખમીરવંતા ખારવાનો ઈતિહાસ