(Source: ECI/ABP News/ABP Majha)
દક્ષિણ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન કર્યું ? જાણો
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર થમી નથી રહ્યો છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 7410 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 73 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક પાંચ હજારનની નજીક પહોંચી ગયો છે. ત્યારે આ સંક્રમણથી બચવા લોકો સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યાં છે.
સુરત: રાજ્યમાં કોરોના વાયરસે ફરી હાહાકાર મચાવી દીધો છે. ગુજરાતમાં દરરોજ રેકોર્ડબ્રેક કેસો આવી રહ્યાં છે. કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે આ સંક્રમણથી બચવા લોકો સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યાં છે.
સુરત (Surat) જિલ્લાના બારડોલીમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. બારડોલી વ્યાપારી એસોસિયેશન તેમજ પોલીસ અને પ્રશાશન મળી નિર્ણય લીધો છે. તારીખ 13 થી 18 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. 5 દિવસ લોકોને ધંધા રોજગાર બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. બારડોલી નગરે સ્વૈચ્છીક લોકડાઉનનું પાલન શરૂ કર્યું છે.
બારડોલી નગરની આસપાસના જોડાયેલા તેન , કડોદ , મઢી, સુરલી સહિતના ગામોમાં પણ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયું છે. સુરતના કડોદરા બાદ મહુવા તાલુકામાં પણ 15 થી 18 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહુવા તાલુકાના મહુવા, કરચેલીયા,વલવાળાતેમજ અનાવલ સંપૂર્ણ બંધ રહેશે. આવશ્યક સેવાઓ સિવાય તમામ ધંધા રોજગાર બંધ રહેશે.
માંડવી
આ સિવાય સુરતના માંડવી નગરજનોએ આગામી 15 એપ્રિલ થી 23 તારીખ સુધી માંડવી નગર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. માંડવી પ્રાંત અધિકારી દ્વારા કરવામાં જાહેરાત આવી છે. પ્રજાને સાથ સહકાર આપવા અપીલ કરાઈ છે.
કોરોનાથી બચવા સુરત જિલ્લાના ઇસરોલી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. ઈસરોલી ગામમાં છેલ્લા 10 દિવસ માં 6 પોઝિટિવ કેસ નોંધાયા હતા. બહાર થી આવતા લોકો પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ફેરિયા અને લારી વાળાને પણ પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરાયો છે.
તરસાડી નગરપાલિકામા સ્વૈચ્છિક લોકડાઉન
કડોદરા નગરપાલિકા બાદ તરસાડી નગરપાલિકામા પણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તરસાડી- કોસંબા ના વેપારીગણ સાથે મિટિંગ બાદ આ નિર્ણય લેવાયો હતો. તા. 16.04.2021 થી 20.04.2021 સુધી તરસાડી નગર સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આવશ્યક સેવા દૂધ, મેડિકલ જેવી સેવાઓ સવારથી 7 થી10, અને સાંજે 5.00 થી 8. વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
પલસાણા ગામ
કોરોનાને અટકાવવા પલસાણા ગામના પણ વેપારીઓએ મહત્વનો નિર્ણય લીધો છે. પલસાણા ગામમાં 25 એપ્રિલ સુધી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે સવારે ૭ થી ૧૨ નો સમય નક્કી કરાયો છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાય તમામ દુકાનો આગામી 25 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે
તાપી
તાપી (Tapi) જિલ્લાનું સોનગઢ (Songadh) પણ આવતી કાલથી સ્વૈચ્છિક બંધ થશે. સોનગઢ આગામી 15 તારીખથી બંધ થશે. સોનગઢ નગર પાલિકા દ્વારા વેપારી મંડળ સાથે ચર્ચા કર્યો બાદ સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 15 એપ્રિલ થી 21 એપ્રિલ સુધી સોનગઢમાં લોકડાઉન રહેશે. માત્ર દૂધ અને દવા સહિત આવશ્યક ચીજવસ્તુની દુકાનો ચાલુ રહેશે. જિલ્લાના વ્યારા અને સોનગઢ શહેર આવતીકાલથી એક સપ્તાહ માટે લોકડાઉન થશે. શાકભાજી અને ફ્રુટની દુકાનો સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.