શોધખોળ કરો
જૂનાગઢ: ગિરનાર રોપવે પ્રોજેક્ટને મળી કેંદ્રની મંજૂરી, 33 વર્ષે સ્વપ્ન થશે સાકાર

જૂનાગઢઃ 33 વર્ષથી અટવાયેલી ગિરનાર રોપ-વે યોજના સાકાર થવા જઇ રહી છે. ગિરનાર રોપવે યોજનાને કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય માંથી ક્લીરન્સ સર્ટ્ટિફિકેટ મળી ગયું છે. જૂનાગઢ ભાજપનાં અગ્રણી પ્રદિપભાઇ ખીમાણીએ જણાવ્યું હતું કે વર્ષ હતું 1983માં ગિરનાર પર રોપ-વે બનવાની ચર્ચાઓ એ વખતે શહેરમાં જોરશોરથી ચાલી હતી. તત્કાલિન કલેક્ટર એસ. કે. નંદાએ એ વખતે સૌપ્રથમ વખત ગિરનાર પર રોપ-વે બનાવવાની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી હતી. આ દરખાસ્ત પર સરકારમાં 10 વર્ષ સુધી ચર્ચા ચાલી. અને ત્યારપછી 1994માં વનવિભાગની 9.91 હેક્ટર જમીન ગુજરાત પ્રવાસન નિગમને હવાલે કરવાનો નિર્ણય લેવાયો હતો. રોપ-વે બનાવવા માટે રાજ્ય સરકારે ઉષા બ્રેકો કંપની સાથે પ્રથમ વખત તા. 16 જુલાઇ 1994નાં રોજ કરાર કર્યા હતા. ત્યારબાદ વાંધા આવતાં મુખ્યમંત્રીએ તા. 24 મે 1999 નાં રોજ પત્ર પાઠવી રોપ-વેની કામગિરી અટકાવી દેવામાં આવી હતી. મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદીએ વર્ષ તા. 2 માર્ચ 2002 નાં રોજ રોપ-વેની કામગિરી ફરીથી શરૂ કરવાની સૂચના આપી તેનું ખાત મહૂર્ત પણ કર્યુ હતું. 31 મે 2008 નાં રોજ ગિરનાર જંગલને અભયારણ્ય બનાવાયું ત્યારપછી 2009 માં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જૂનાગઢમાંજ તેનું પબ્લિક હિયરીંગ રખાયું. ત્યારબાદ પ્રદૂષણ બોર્ડે તા. 6 જુન 2009 નાં રોજ પબ્લિક હિયરીંગને લગતો રીપોર્ટ કેન્દ્ર સરકારને મોકલ્યો હતો. જેને પગલે રોપવેમાં કેન્દ્રની ભૂમિકા શરૂ થઇ. ધારાસભ્ય તરીકે મહેન્દ્ર મશરૂએ તેમની પ્રથમ ટર્મથીજ વખતો વખત આ મુદ્દો ઉઠાવ્યો હતો. ગિરનાર રોપ-વે એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેક્ટ બનશે. તે પરવલય આકારનો બનશે. તેની લંબાઇ 2230 મીટરની રહેશે. તેનાં અપર અને લોઅર સ્ટેશનો વચ્ચેનું અંતર 850 મિટરનું રહેશે. ભવનાથ તળેટીથી અંબાજી સુધી પહોંચવામાં રોપ-વેને 9 મિનીટ 28 સેકન્ડનો સમય લાગશે. તેની એક ટ્રોલીની એક સેકન્ડમાં 5 મીટરનું અંતર કાપશે. અને તે સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.
વધુ વાંચો





















