ગુજરાત જાહેર સેવા આયોગે અચાનક આ ભરતી કરી રદ, જાણો હવે આગળ શું થશે
જા.ક્ર. ૭૪/૨૦૨૪ ૨૫ની ભરતી હવે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ઝુંબેશ હેઠળ હાથ ધરાશે
GPSC Recruitment: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા, વર્ગ ૧ (જા.ક્ર. ૭૪/૨૦૨૪ ૨૫)ની ભરતી રદ કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ ૧ જગ્યા માટે ૧૪/૧૧/૨૦૨૪ થી ૩૦/૧૧/૨૦૨૪ દરમિયાન જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
ભરતી રદ થવાનું કારણ:
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૦૬/૧૨/૨૦૨૪ના પત્ર ક્રમાંક: gad/0166/12/2024થી જણાવ્યા અનુસાર, આ જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ (Special Drive) હેઠળ ભરવાની હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે શું થશે?
વિભાગ દ્વારા ખાસ ભરતી ઝુંબેશ હેઠળ આ જગ્યાનું નવેસરથી માંગણીપત્રક મળ્યા પછી નવી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ ગુજરાત જાહેર સેવા આયોગે જણાવ્યું હતું કે, વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં જાહેર કરશે.
ગુજરાત જાહેર સેવા આયોગના ચેયરમેન હસમુખ પટેલે સોશલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી આ માહિતી આપી હતી. હસમુખ પટેલે પોસ્ટમાં ઉલ્લેખ કર્યો કે સરકારના અલગ- અલગ વિભાગો સાથે પરામર્શ ચાલી રહ્યો છે. તે પૂર્ણ થતા ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે. વધુમાં પરીક્ષા દરમિયાન નિયમોને લઈને પોસ્ટ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે GPSCની પરીક્ષાઓમાં પારદર્શક પાણીની બોટલ ઉમેદવારો પરીક્ષા ખંડમાં લઈ જઇ શકશે. તેના પર કોઈ લેબલ કે લખાણ ના હોવું જોઈએ જેથી તેનો ઉપયોગ કોઈ માહિતી લખવા માટે ન કરી શકાય.
નોંધનીય છે કે GPSC દ્ધારા આગામી 22 ડિસેમ્બરના રોજ લેવામાં આવનારી રાજ્ય વેરા નિરીક્ષક STIની ભરતીમાં કેન્દ્ર ફાળવવામાં પરિવર્તન કરવામાં આવ્યું છે. આજ સુધી જીપીએસસી દ્વારા ઉમેદવારની પરીક્ષા તેના જિલ્લા કેન્દ્ર પર લેવામાં આવતી હતી. પરંતુ આ વખતે આયોગે તેમાં ફેરફાર કરીને નજીકના જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. આ અંગે આયોગના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે પરીક્ષા કેન્દ્ર જિલ્લા બહાર આપવાને કારણે ઉમેદવારોને મુશ્કેલી પડે તે સમજી શકાય તેમ છે. ભૂતકાળમાં પોતાના જિલ્લાના સંપર્કનો ઉપયોગ કરી પરીક્ષામાં ગરબડ કર્યાના બનાવો રાજ્યની કેટલીક પરીક્ષાઓમાં થયેલા છે તેને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો...
માવઠા બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે, જાણો હવામાન વિભાગની આજની લેટેસ્ટ આગાહી