છોટા ઉદેપુરમાં કિશન ભરવાડની શ્રદ્ધાંજલિ સભામાં વિધર્મીઓનું ટોળું ધસી આવતાં જૂથ અથડામણ
ધંધૂકાના કિશન ભરવાડની હત્યાની ઘટનાના કારણે લોકોમાં આક્રોશ છે ત્યારે આજે રાજ્યભરમાં માલધારી સમાજ દ્વારા દરેક જિલ્લાના કલેકટરને આવેદનપત્ર આપીને કિશન ભરવાડને ન્યાય આપવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી.
ધંધૂકાના કિશન ભરવાડની હત્યાની ઘટનાના કારણે લોકોમાં આક્રોશ છે ત્યારે આજે રાજ્યભરમાં માલધારી સમાજ દ્વારા દરેક જિલ્લાના કલેકટરને આવેદનપત્ર આપીને કિશન ભરવાડને ન્યાય આપવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી. ધંધૂકાના કિશન ભરવાડ હત્યા કેસના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે. છોટાઉદેપુરમાં કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં વિધર્મીઓનું ટોળું ધસી આવતાં જૂથ અથડામણ થઇ હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઇને અથડામણનો વીડિયો વાયરલ કરનારા સહિત 6 લોકોની અટકાયત કરી છે. જૂથ અથડામણ થતાં છોટાઉદેપુરમાં તંગદિલી ફેલાઇ ગઇ છે.
કિશન ભરવાડની વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. કિશન ભરવાડને ન્યાય આપવાની માગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. રાજ્યના અનેક શહેરોમાં બંધ પાળવામા આવી રહ્યો છે. છોટાઉદેપુરમાં ગઇકાલે સાંજે હિન્દુ સંગઠનો દ્વારા કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હિન્દુ યુવકે સોશિયલ મીડિયા પર કિશન ભરવાડની પોસ્ટ શેર કરતાં જૂથ અથડામણ થઇ હતી, જેને લઇને બંને પક્ષોએ સામસામે ફરિયાદ કરી છે.
આ દરમિયાન છોટાઉદેપુરના હિન્દુ સંગઠનો દ્વારા કિશન ભરવાડને ન્યાય આપવાની માગ સાથે મૌન રેલી કાઢવાની જાહેરાત કરતાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનો દ્વારા છોટાઉદેપુર મહાકાળી મંદિરથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. છોટાઉદેપુરમાં મોડી રાતથી નગરમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
રાજકોટમાં ભરવાડ સમાજ અને અન્ય હિંદુવાદી સંગઠનોની વિશાળ રેલી
રાજકોટમાં પણ ધંધુકાના કિશન ભરવાડ ની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે રાજકોટમાં ભરવાડ સમાજ અને અન્ય હિંદુવાદી સંગઠનોની વિશાળ રેલી નિકળી હતી. આ રેલી પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને યુવાનોને દોડાવી દોડાવીને દંડા ફટકાર્યા હતા. પોલીસે યુવકોને દંડા ફટકારી ફટકારીને ભગાડ્યા હતા.
રાજકોટમાં યુવાનોએ અલગ અલગ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જિલ્લા કલેકટર કટેરી સુધી રેલી નીકળી હતી. જિલ્લા કલેકટર કચેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ રેલીમાં કિશન ભરવાડની હત્યાને આતંકવાદી કૃત્ય ગણાવીને આતંકવાદનો કલમોનો ઉમેરો કરવા ભરવાડ સમાજે માગ કરી છે. હિન્દુવાદી સંગઠનો પણ વિરોધમાં જોડાયા હતા.