(Source: ECI/ABP News/ABP Majha)
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત ભાજપે વરિષ્ઠ નેતાઓને સોંપી મોટી જવાબદારી
લોકસભા ચૂંટણી 2024ને લઈ ભારતીય જનતા પાર્ટીએ નેતાઓને મોટી જવાબદારી સોંપી છે. જેમાં પૂર્વ મંત્રીઓ, સિનિયર નેતાઓને ભાજપે જવાબદારી સોંપી છે.
અમદાવાદ : લોકસભા ચૂંટણી 2024ને લઈ ભારતીય જનતા પાર્ટીએ નેતાઓને મોટી જવાબદારી સોંપી છે. જેમાં પૂર્વ મંત્રીઓ, સિનિયર નેતાઓને ભાજપે જવાબદારી સોંપી છે. પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને 3 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદિપસિંહને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.
પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આરસી ફળદુને પણ 3-3 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. જૂ્નાગઢ, અમરેલી અને ભાવનગર લોકસભા સીટની જવાબદારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સોંપવામાં આવી છે.
આરસી ફળદુને જામનગર, પોરબંદર અને રાજકોટ લોકસભા સીટની જવાબદારી સોંપાઈ છે. સાંસદ નરહરિ અમીનને આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદ લોકસભા સીટની જવાબદારી સોંપાઈ છે. પૂર્વ મહામંત્રી કેસી પટેલને ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટની જવાબદારી સોંપાઈ છે.
રાષ્ટ્રીય મહામંત્રી કિસાન સેલના બાબુભાઇ જેબલીયાને મહેસાણા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર લોકસભા સીટની જવાબદારી સોંપવામાં આવી છે. મહિલા મોરચાના પૂર્વ અધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાને સુરત, નવસારી, બારડોલી અને વલસાડ લોકસભા સીટની જવાબદારી સોંપવામાં આવી છે. વેજલપુર ધારાસભ્ય અમિત ઠાકરને કચ્છ, બનાસકાંઠા અને પાટણ લોકસભાની જવાબદારી સોંપાઈ છે.
પીએમ મોદીનો પ્રવાસ 22 જાન્યુઆરીથી શરૂ થશે
2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન ભાજપે લોકસભા ચૂંટણી માટે સ્લોગન નક્કી કરી લીધું છે. સૂત્રોએ જણાવ્યું કે આ સ્લોગન છે 'અબકી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર'. તેમજ ભાજપે લોકસભા અને વિધાનસભા કક્ષાએ કન્વીનર અને સહ કન્વીનર નક્કી કર્યા છે. સૂત્રોએ જણાવ્યું કે ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સમગ્ર દેશની મુલાકાત લેશે. પીએમ મોદીનો પ્રવાસ 22 જાન્યુઆરીથી શરૂ થશે.
મંગળવારે, 2 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. આગામી લોકસભા ચૂંટણી 2024ને લઈને આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પાર્ટીના મહાસચિવ સુનીલ બંસલ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, અશ્વિની વૈષ્ણવ અને મનસુખ માંડવિયા સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. તેવા સમયે જ આ નવું સ્લોગન 'અબકી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર' જાહેર કરવામાં આવ્યું છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial