ગુજરાત ભાજપ સાંસદનો આક્ષેપ, કેનાલના કામમાં ભાજપના નેતાએ 5 કરોડ ખાધા, ભાજપ નેતાગીરીને ફેંક્યો શું ખુલ્લો પડકાર ?
કટાક્ષ પણ કર્યો કે, એલ એન્ડ ટી સાથે રહીને 4 આદિવાસીઓ કમાયા છે અને ઉપર એવું કહે છે કે આદિવાસીઓ કમાયા છે
રાજપીપળાઃ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી વિવાદ પેદા કર્યો છે. ભાજપ સ્થાપના દિવસે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પોતાના ભાષણમાં પક્ષના જ નેતાઓ સામે આક્ષેપ કર્યા છે. વસાવાએ કહ્યું કે, નર્મદા ભાજપના એક નેતાએ 1995માં કેનાલ સમારકામમાં 5 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે.
વસાવાએ કટાક્ષ પણ કર્યો કે, એલ એન્ડ ટી સાથે રહીને 4 આદિવાસીઓ કમાયા છે અને ઉપર એવું કહે છે કે આદિવાસીઓ કમાયા છે, મનસુખ વસાવા ખોટું બોલે છે એવું કહે છે. કેવડિયા કોલોની ખાતે બનેલી સરદાર પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ લાર્સન એન્ડ ટુબ્રોએ કર્યું છે તેના સંદર્ભમાં વસાવાએ આ કટાક્ષ કર્યો છે. વસાવાએ કહ્યું કે, હું પણ કરજણ ડેમનો અસરગ્રસ્ત છું.
મનસુખ વસાવાએ કહ્યું કે, મનસુખ વસાવા પાર્ટી થકી મોટો માણસ થયો છે પણ હું ગરીબ પ્રજા ને મદદરૂપ ના થાઉં તો સાંસદ સભ્યપદ શું કામનું ? વસાવાએ કહ્યું કે, આપણે બે નંબરીયા અધિકારી અને આપણા જ બે નંબરીયા નેતાઓને ખુલ્લા પાડવા પડશે. તેમણે ભાજપની નેતાગીરીને પણ ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું કે, આ બાબતે મારી પાસે ખુલાસા પણ માંગશે પણ મને વાંધો નથી. તેમણે કહ્યું કે, પહેલાં કોંગ્રેસના લોકો ભાગલા પાડીને રાજ કરતા હતા, હવે આપણા લોકો ભાગલા પાડીને રાજ કરો તેમાં માને છે.
મનસુખ વસાવાએ ભાજપના નેતાઓ પર કટાક્ષ કરતાં કહ્યું કે, ખુશામત કરીને મોટા પદ પર આવી જાય અને પછી કહે કે જિલ્લાના લોકોના પેટ માં તેલ રેડાયું છે. તેમણે કહ્યું કે, લોકલ નેતાઓને મેં તો કહ્યુંજ છે કે તમે પ્રધાનમંત્રી બનો તો પણ અમને કોઈ ફર્ક નથી પડવાનો.
તેમણે કહ્યું કે, આવનારા દિવસોમાં હિસાબ કિતાબ થવાનો છે ને પેટમાં તેલ રેડાયું છે તો બહાર આવશે જ બધું. જો કોઈ ગરીબોને દબાનવાનું કામ કરશે તો તમને અમે ઉઠવા નહિ દઈએ. એ પાર્ટીનો નેતા હોય કે કોઈ અધિકારી હોય પણ અમે કોઈને નહીં છોડીએ.