(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Board Exams 2024 Live: ગુજરાત બોર્ડ પરીક્ષાનો આજથી પ્રારંભ, ગેરરીતિ કરનાર સામે પોલીસ કેસ સુધીની થશે કાર્યવાહી
Gujarat Board Exams 2024 Live: બોર્ડના પેપર સ્ટ્રોંગ રૂમમાંથી સવારે 8 વાગ્યા સુધીમાં પોલીસની સુરક્ષામાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવામાં આવશે
LIVE
Background
Gujarat Board Exams 2024 Live: ગુજરાત બોર્ડની 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ સોમવાર (11 માર્ચ 2024)થી શરૂ થઈ રહી છે, જે 26 માર્ચ સુધી ચાલશે. આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા માટે 15.38 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બોર્ડની પરીક્ષાના પેપરો રાજ્યના તમામ જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવામાં આવ્યા છે. નકલ મુક્ત બોર્ડની પરીક્ષાઓ યોજવા માટે પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે, બોર્ડની પરીક્ષાઓ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ લેવામાં આવશે.
બોર્ડના પેપર સ્ટ્રોંગ રૂમમાંથી સવારે 8 વાગ્યા સુધીમાં પોલીસની સુરક્ષામાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવામાં આવશે. સ્ટ્રોંગ રૂમમાંથી પરીક્ષા કેન્દ્ર સુધી પેપર પહોંચાડવા માટે શિક્ષણ વિભાગ દ્વારા PATA મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. જેના દ્વારા પેપર સહિતની સામગ્રી ટ્રેક કરવામાં આવે છે અને પેપરની સીલ ખોલતા પહેલા PATA એપ્લિકેશનમાં ફોટો અપલોડ કરવાનો રહેશે.
પરીક્ષા શરૂ થવાના એક દિવસ પહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા
ગુજરાતમાં 10માની પરીક્ષા રાજ્યના 84 ઝોનમાં 981 કેન્દ્રો પર લેવાશે. જ્યારે 12માં કોમર્સ અને સાયન્સની પરીક્ષા રાજ્યના 56 ઝોનના 663 કેન્દ્રો પર લેવાશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષા શરૂ થવાના એક દિવસ પહેલા બોર્ડ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર તેમની બેઠક વ્યવસ્થા જોવાની પરવાનગી આપે છે. આજે વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને તેમની બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
2.95 લાખ રિપીટર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસશે
આ વર્ષે ધોરણ 10માં ગુજરાત બોર્ડની પરીક્ષા માટે 9.20 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 1.65 લાખ રિપીટર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 12મા કોમર્સ પ્રવાહમાં 4.90 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, જેમાં 75 હજાર રિપીટ થયેલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેવી જ રીતે 12મા સાયન્સની પરીક્ષા માટે 1.30 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
130 કેદીઓ પણ આપશે બોર્ડની પરીક્ષા, ચાર જેલમાં પરીક્ષા કેન્દ્રો
કુલ 130 કેદીઓ માટે ચાર જેલોમાં બોર્ડ પરીક્ષા કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે, જેમાં ધોરણ 10માં 73 કેદીઓ અને ધોરણ 12માં 57 કેદીઓનો સમાવેશ થાય છે.
ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
નોંધનીય છે કે ગુજરાત બોર્ડ 10ની પરીક્ષાનો સમય સવારે 10:00 થી બપોર 1:15 નો રહેશે. 12મા વાણિજ્ય પ્રવાહની પરીક્ષાઓ સવારે અને બપોરે અલગ અલગ સમયે લેવામાં આવશે. જેમાં સવારનો સમય 10:30 થી 1:45 અને બપોરનો સમય સાંજે 3:00 થી 6:15નો રહેશે. તેવી જ રીતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે અને 22 માર્ચ સુધી ચાલશે. પરીક્ષાનો સમય બપોરે 3:00 થી 6:30 સુધીનો રહેશે. જો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય તો હેલ્પલાઈન નંબર 1095 પરથી મદદ લઈ શકાશે.
બોર્ડની પરીક્ષામાં પણ રાજકીય પક્ષોની રાજનીતિ
બોર્ડની પરીક્ષામાં પણ રાજકીય પક્ષોની રાજનીતિ જોવા મળી હતી. પક્ષનો ખેસ પહેરી આગેવાનો પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. સુરતની શારદા યતન સ્કૂલમાં ખેસ પહેરી ભાજપના આગેવાનો પહોંચ્યા હતા. કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ, અશોક રાંદેરી ભાજપનો ખેસ પહેરી પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા.
પરીક્ષા કેદ્રો પર શાળાના સંચાલકો દ્ધારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
અરવલ્લી જિલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા 43 પરીક્ષા કેદ્રો પર યોજાશે. જિલ્લાના 117 પરીક્ષા બિલ્ડિગમાં 31694 ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા કેદ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પરીક્ષા કેદ્રો પર શાળાના સંચાલકો દ્ધારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી
આજથી પ્રારંભ થઇ રહેલ ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષામાં બેસનાર સૌ વિદ્યાર્થીઓને સફળતાની હાર્દિક શુભકામનાઓ.
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) March 11, 2024
આપ સૌ હકારાત્મક અભિગમ સાથે પૂરા આત્મવિશ્વાસથી પરીક્ષા આપો. માત્ર શાળાની જ નહીં, જીવનની પરીક્ષામાં પણ સફળતા મેળવીને ઉજ્જવળ ભવિષ્યને પામો એ જ અભ્યર્થના.
660થી વધુ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેંદ્રો છે
બોર્ડની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલશે. બોર્ડ પરીક્ષાઓ માટે સ્ટેટ લેવલે 85 સ્કવોડ ટીમો તૈનાત કરવામાં આવી છે. 660થી વધુ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેંદ્રો છે. આ વર્ષે બોર્ડ પરીક્ષા માટે વર્ગ એક અને બેના 1500થી વધુ અધિકારીઓને જુદી જુદી જવાબદારીઓ આપવામાં આવી છે. તો તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓ, પોલીસ પ્રશાસન, એસટી નિગમ અને આરોગ્ય વિભાગ સહિત અંદાજીત એક લાખ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત છે
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થશે
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થશે. 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. રાજ્યની પાંચ હજાર 378 બિલ્ડિંગના 54 હજાર 294 બ્લોક પરીક્ષામય બનશે. આ વર્ષે ધોરણ 10માં 9 લાખ 17 હજાર 687 વિદ્યાર્થી નોંધાયા છે. જેમાં 1 લાખ 65 હજાર 846 વિદ્યાર્થી રિપીટર છે જ્યારે ધોરણ 12 સાયન્સમાં 1 લાખ 11 હજાર 549 વિદ્યાર્થી નોંધાયા છે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 89 હજાર 279 વિદ્યાર્થી છે.