ભુપેન્દ્ર પટેલના બંગલે ત્રણ કલાક શું રંધાયું? મંત્રીમંડળમાં ફેરફારની વાત તો પાક્કી!
આ બેઠકમાં ગુજરાતમાં સંભવિત રાજકીય ફેરબદલ અને વહીવટી સ્તરે મોટા ફેરફારો અંગે વિસ્તૃત ચર્ચા થઈ હોવાની શક્યતા છે.

Gujarat cabinet reshuffle 2025: ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યના મંત્રીમંડળમાં ફેરફારની શક્યતાઓ વચ્ચે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાસનાથન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ત્રણ કલાક સુધી મંત્રણા કરી હતી.
મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠક આગામી સમયમાં રાજ્યના રાજકીય અને વહીવટી ક્ષેત્રે થનારા ફેરફારો માટે સૂચક માનવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં ગુજરાતમાં સંભવિત રાજકીય ફેરબદલ અને વહીવટી સ્તરે મોટા ફેરફારો અંગે વિસ્તૃત ચર્ચા થઈ હોવાની શક્યતા છે.
મહત્વની વાત એ છે કે લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાસનાથન એક જ દિવસની ટૂંકી મુલાકાતે ગુજરાત આવ્યા હતા. તેમની આ મુલાકાત અને મુખ્યમંત્રી સાથેની લાંબી બેઠક અનેક અટકળોને જન્મ આપી રહી છે. રાજ્ય સરકારમાં આગામી દિવસોમાં ફેરફારની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે, ત્યારે આ બેઠકે આ ચર્ચાઓને વધુ વેગ આપ્યો છે.
એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બેઠકમાં રાજ્યના વહીવટી ક્ષેત્રે મોટા પાયે ફેરફાર કરવા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હોઈ શકે છે. જો કે, આ બેઠકમાં શું ચર્ચા થઈ તે અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ, આ બેઠકના કારણે રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે અને સૌ કોઈ આગામી દિવસોમાં થનારા સંભવિત ફેરફારો પર નજર રાખી રહ્યા છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર જ્યારે બી ત્યારે જે પ્રધાનોને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી ત્યારે તેમાં 6 રાજ્ય કક્ષાના પ્રધાનો અને 8 કેબિનેટ પ્રધાનોને વિવિધ ખાતાઓ સોંપાયા હતા. બે પ્રધાનોને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો પણ સોંપવામાં આવ્યો હતો.
રાજ્ય કક્ષાના પ્રધાનોમાં પુરુષોત્તમ સોલંકીને મત્સ્યોદ્યોગ અને પશુપાલન ખાતું ફાળવવામાં આવ્યું હતું. બચુ ખાબડને પંચાયત અને કૃષિ ખાતું સોંપાયું હતું. મુકેશ પટેલને વન અને પર્યાવરણ ખાતાની જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રફુલ્લ પાનસેરીયાને સંસદીય બાબતો અને ઉચ્ચ શિક્ષણ વિભાગ મળ્યા હતા. ભીખુસિંહ પરમારને અન્ન અને નાગરિક પુરવઠા ખાતાની ફાળવણી થઈ હતી. કુંવરજી હળપતિને આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર ખાતાની જવાબદારી સોંપવામાં આવી હતી.
બે પ્રધાનોને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપાયો હતો. જેમાં હર્ષ સંઘવીને ગૃહની સાથે રમત-ગમત અને યુવા, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા સહિતના ખાતાઓ સોંપવામાં આવ્યા હતા. જગદીશ વિશ્વકર્માને સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન ખાતુ સોંપાયું હતું.
કેબિનેટ પ્રધાનોની વાત કરીએ તો ઋષિકેશ પટેલને આરોગ્ય અને કાયદા વિભાગ ફાળવવામાં આવ્યા હતા. રાઘવજી પટેલને કૃષિ અને મત્સ્ય ઉદ્યોગ ખાતાની જવાબદારી મળી હતી. કનુ દેસાઈને નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. બળવંતસિંહ રાજપુતને ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ ખાતુ સોંપાયું હતું. કુંવરજી બાવળિયાને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા વિભાગ મળ્યા હતા. મૂળુ બેરાને પ્રવાસન, વન અને પર્યાવરણ ખાતાની જવાબદારી સોંપવામાં આવી હતી. કુબેર ડીંડોરને આદિજાતી વિકાસ ખાતુ ફાળવાયું હતું અને ભાનુબેન બાબરીયાને સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ ખાતાની જવાબદારી સોંપવામાં આવી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
