Gujarat Election 2022: ભાજપના પૂર્વ ધારાસભ્યએ તમામ પદેથી આપ્યું રાજીનામું, ટિકિટ ના મળતા હતા નારાજ
ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને 166 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે
જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાની કેશોદ વિધાનસભા બેઠકમાં ભાજપમાં ભંગાણ પડ્યુ છે. મળતી જાણકારી અનુસાર, ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને 166 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. ટિકિટ ના મળતા અનેક નેતાઓ નારાજ થયા છે. જૂનાગઢ જિલ્લાની કેશોદ વિધાનસભા બેઠક પરથી ભાજપે દેવાભાઇ માલમને ટિકિટ આપતા ભાજપમાં અસંતોષ જોવા મળ્યો છે.
પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભાજપના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે અને અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી દીધી છે. અરવિંદ લાડાણી કેશોદ બેઠક પર ટિકિટના દાવેદાર હતા પરંતુ ભાજપે દેવાભાઇ માલમને ટિકિટ આપી હતી. જેનાથી નારાજ થઈને તેમણે રાજીનામું આપ્યું હતું.
નોંધનીય છે કે સાણંદ ભાજપમાં પણ બળવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. સાણંદ APMCના ચેયરમેન ખેંગાર સોલંકીને ટિકિટ ન ફાળવાતા તેઓ નારાજ થયા છે. સાણંદ APMCના ચેરમેને ટિકિટ માટે દાવેદારી કરી હતી. જોકે ટિકિટ ફાળવવામાં આવી ન હતી. ત્યારે ખેંગાર સોલંકીએ ટિકિટ ન મળતા આગળ શું કરવું તે અંગે ટેકેદારોની બેઠક બોલાવી અને સૂચનો મેળવ્યા હતા. હાલ તો ખેંગાર સોલંકી અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે.
વડોદરાની કરજણ વિધાનસભા બેઠક પર ભાજપે કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા અક્ષય પટેલને રિપિટ કર્યા છે. ત્યારે સ્થાનિક ભાજપના આગેવાન સતીશ પટેલ નારાજ થયા છે. ભાજપે ડેમેજ કંટ્રોલ માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને જવાબદારી સોંપી છે. ત્યારે હર્ષ સંઘવી કરજણ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ભરત મુની હૉલ ખાતે એક અગત્યની બેઠક બોલાવવામાં આવી હતી. ભાજપની આ બેઠકમાં નારાજ પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ ગેરહાજર રહ્યા હતા. સતીષ પટેલે આરોપ લગાવ્યો કે બેઠકમાં તેમને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તો મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું ચૂંટણી લડીશ તે નિશ્ચિત છે. મને ટિકિટ નહીં આપી ભાજપ કરજણ સીટ ગુમાવશે તેવો દાવો પણ તેમણે કર્યો છે. સૂત્રોનું માનીએ તો સતીષ પટેલ આજે સમર્થકોની બેઠક બોલાવી શકે છે.
કેસરીસિંહ સોલંકીની ઘર વાપસી
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ નેતાઓના પક્ષપલટાની મોસમ પણ જામી છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. બે દિવસ પહેલા ટિકિટ ન મળવાના કારણે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ભાજપના નેતા કેસરીસિંહ સોલંકીની ઘર વાપસી થઈ છે.