AAP: ગુજરાતમાં નવી સરકાર બને તે અગાઉ આવ્યા મોટા સમાચાર, AAPના નવા ધારાસભ્ય જોડાઇ શકે છે ભાજપમાં
ગુજરાતમાં નવી સરકાર બને તે અગાઉ મોટા સમાચાર આવ્યા છે. આમ આદમી પાર્ટીના નવા ધારાસભ્ય ભાજપમાં જોડાઇ શકે છે
ગાંધીનગરઃ ગુજરાતમાં નવી સરકાર બને તે અગાઉ મોટા સમાચાર આવ્યા છે. આમ આદમી પાર્ટીના નવા ધારાસભ્ય ભાજપમાં જોડાઇ શકે છે. મળતી જાણકારી અનુસાર, વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઇ શકે છે. ભૂપત ભાયાણી પત્રકાર પરિષદ કરીને ભાજપમા જોડાવાની જાહેરાત કરી શકે છે.
આજે ભૂપત ભાયાણી ભાજપમાં જોડાવા અંગે પ્રેસ કોન્ફ્રરન્સમાં જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે આપમાંથી પાંચ ધારાસભ્યો ચૂંટણી જીત્યા હતા.
જાણો કોણ છે ભૂપત ભાયાણી
આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપના સમર્થનમાં આવ્યા છે. રાષ્ટ્રહિતમાં નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનથી ચાલતી પાર્ટીને સમર્થન આપવા માંગે છે. આપને ગુજરાતની જનતાએ નકારી હોવાનું માની ભૂપત ભાયાણી ભાજપને સમર્થન આપશે. અગાઉ ભાજપમાં જ તેઓ હોવાથી નરેન્દ્રભાઇથી પ્રભાવિત છે. ભૂપત ભાયાણી ગાંધીનગર સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદ કરશે.
ભૂપત ભાયાણી ભાજપના હર્ષદ રિબડિયા સામે 7 હજાર 63મતે ચૂંટણી જીત્યા છે. ભૂપત ભાયાણીએ બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી છોડી હતી. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે. કોરોના કાળમાં ભેંસાણમાં કોવિડ સેન્ટર ખોલી લોકોને મદદ કરી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધી અગાઉ જ આમ આદમી પાર્ટીમા સાફસફાઈ શરૂ થઈ ગઈ છે. વિસાવદર બેઠકથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપને સમર્થન આપશે. બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી સાથે નાતો તોડીને વિસાવદર બેઠકથી ભાજપના જ ઉમેદવાર હર્ષદ રિબડીયાને સાત હજાર 63 મતથી હરાવીને ભૂપતભાઈ ભાયાણીએ જીત મેળવી હતી.. જો કે હવે રાષ્ટ્રહિતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી ચાલતી પાર્ટીને સમર્થન આપશે.
આવતીકાલે ભૂપેન્દ્રભાઇ પટેલ સરકારની શપથવિધિ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ આવતીકાલે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સહિત નવા મંત્રીઓનો શપથવિધિ સમારોહ યોજાશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં શપથવિધિ માટે ત્રણ વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. શપથવિધિ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, ગુજરાતના સંસદસભ્યો ઉપરાંત મંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. શપથવિધિ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેનાર પ્રધાનમંત્રીના સ્વાગતની પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટથી હેલિપેડ ગ્રાઉન્ડ સુધી રોડ શો પણ કરે તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર રોડ પર માનવ મહેરામણ ઉમટે તે માટે સંગઠનના પદાધિકારીઓને જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે. તો સાથે જ હેલિપેડ ગ્રાઉન્ડ પર સાધુ સંતો, ઉદ્યોગપતિઓ, કલાકારો ઉપરાંત અન્ય મહાનુભાવોને બેસવા માટે સ્ટેજ સહિત અલગ વ્યવસ્થા ગોઠવામાં આવી છે. કમલમથી પ્રદેશ સંગઠનના પદાધિકારીઓથી માંડીને જિલ્લા, તાલુકાના હોદ્દેદારોને શપથવિધીમાં હાજરી આપવા સૂચના અપાઈ છે. એટલુ જ નહીં, શપથવિધિ કાર્યક્રમ માટે ગાંધીનગરમાં મોટો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે