PM Modi Speech: : ઐતિહાસિક જીતના અસલી હિરો PM મોદી દિલ્હી પાર્ટી મુખ્યાલય પહોંચ્યા
ગુજરાત ભાજપના હેડક્વાર્ટર એવા ગાંધીનગર ખાતેના કમલમમાં તો રાજ્યમાં ભાજપે મેળવેલી શાનદાર અને ઐતિહાસિક જીતની ઉજવણી સવારથી જ શરૂ કરી દેવામાં આવી છે.
Gujarat-Himachal Pradesha Election Result 2022 : 1લી ડિસેમ્બર અને 5મી ડિસેમ્બરે યોજાયેલી ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના આજે પરિણામો જાહેર થઈ રહ્યાં છે. જેમાં ભાજપ ઐતિહાસિક વિજય મેળવતી દેખાય છે.1985માં તત્કાલીન મુખ્યમંત્રી માધવ સિંહ સોલંકીએ 149 બેઠકો જીતી ઈતિહાસ સરજ્યો હતો. દાયકાઓ બાદ ભાજપ આ ઈતિહાસ તોડવા જઈ રહી હોવાનું જણાય છે. ભાજપ 182માંથી લગભગ 155 કરતા વધુ બેઠક જીતી રહી હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. આ જીતના અસલી હિરો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોવાનું કહેવાય છે. ગુજરાતમાં જંગી જીતની ઉજવણીના ભાગરૂપે પીએમ મોદી રાજધાની દિલ્હીમાં પાર્ટી મુખ્યાલયથી સંબોધન કરશે.
પીએમ મોદીના આગમન સાથે જ મોદી મોદીના ગગનભેદી નારા લાગ્યા હતાં. મોટી સંખ્યામાં હાજર ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓએ પીએમ મોદીને આવકાર્યા હતાં. વડાપ્રધાન ઉપરાંત પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતાં.
ગુજરાત ભાજપના હેડક્વાર્ટર એવા ગાંધીનગર ખાતેના કમલમમાં તો રાજ્યમાં ભાજપે મેળવેલી શાનદાર અને ઐતિહાસિક જીતની ઉજવણી સવારથી જ શરૂ કરી દેવામાં આવી છે. તો રાજ્યમાં ઠેર ઠેર ઢોલ નગારા અને ડીજેના તાલે કેસરિયા જીતની ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપ આ જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જીત બાદ કહ્યું હતું કે, પીએમ મોદીની કાળી મહેનત અને પરિશ્રમનું જ આ પરિણામ છે. જાહેર છે કે, ચૂંટણીના છેલ્લા દિવસોમાં પીએમ મોદીનો અમદાવાદ સહિતના શહેરોમાં રોડ શો અને ભવ્ય રેલીઓએ છેલ્લી ઘડીઓએ ચૂંટણીનું ચિત્ર જ ફેરવી નાખ્યું હતું. પીએમ મોદીની આ રેલીઓ અને રોડ શોમાં લાખો લોકો ઉમટી પડતા હતાં. આ જનપ્રવાહ મતબેંકમાં પણ પરિવર્તિત થયો હોવાનું ભાજપને મળી રહેલી બેઠ્કો પરથી જણાય છે.
ભાજપની આ જંગી જીતથી પીએમ મોદી પણ ગદગદ થયા છે. લગભગ ત્રણ દાયકાથી પણ જુના માધવ સિંહ સોલંકીના સૌથી વધુ બેઠકો જીતવાના રેકોર્ડને તોડ્યાની ઉજવણીના ભાગરૂપે પીએમ મોદી રાજધાની દિલ્હી ખાતે આવેલા ભાજપ કાર્યલય પહોંચી ભાજપ કાર્યકર્તાઓને સંબોધીને કરશે. પીએમ મોદી આજે રાત્રે ભાજપ કાર્યાલય ખાતે પહોંચશે અને ત્યાર બાદ ભાજપ કાર્યકર્તાઓને જીતના અભિનંદન આપશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
ગુજરાતના ચૂંટણી પરિણામને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી પ્રતિક્રિયા આપી છે. પોતાના ગૃહ રાજ્યમાં ભાજપની વિક્રમી જીત અંગે તેમણે કહ્યું હતું કે, આભાર ગુજરાત. અભૂતપૂર્વ ચૂંટણી પરિણામો જોયા બાદ હું લાગણીઓથી અભિભૂત છું. લોકોએ વિકાસની રાજનીતિને આશીર્વાદ આપ્યા છે અને ઈચ્છા પણ વ્યક્ત કરી છે કે તે વધુ ઝડપી ગતિએ અવિરત રહે. હું ગુજરાતની જનશક્તિને નમન કરું છું.
પીએમ મોદીએ હિમાચલના લોકોનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, હું હિમાચલ પ્રદેશના લોકોનો ભાજપ પ્રત્યેના પ્રેમ અને સમર્થન માટે આભાર માનું છું. અમે રાજ્યની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને આવનારા સમયમાં લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે કામ કરવાનું યથાવત રાખીશું.
ઉલ્લેખનીય છે કે, ભાજપ 155થી વધારે બેઠકો જીતવા જઈ રહી છે. તો કોંગ્રેસનો કારમો રકાશ થતો જણાઈ રહ્યો છે. કોંગ્રેસ માંડ 17 બેઠકો જીતે તેવી શક્યતા છે. જ્યારે આમ આદમી પાર્ટીને પણ માત્ર 4 જેટલી બેઠકો મળે તેવી શક્યતા છે.