Gujarat: ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે કયા દિગ્ગજોના નામ છે રેસમાં ? જાણો
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ એક્શન મૉડમાં આવી ગઇ છે, રઘુ શર્મા અને અશોક ગેહલોતના ભરોસે બેસેલી કોંગ્રેસ હવે રાજ્યમાં પ્રભારી બદલવા માટે એક્શનમાં આવી છે.
Gujarat: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ એક્શન મૉડમાં આવી ગઇ છે, રઘુ શર્મા અને અશોક ગેહલોતના ભરોસે બેસેલી કોંગ્રેસ હવે રાજ્યમાં પ્રભારી બદલવા માટે એક્શનમાં આવી છે. છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં નવા પ્રદેશ પ્રમુખને લઇને ચર્ચાઓ જોર પકડ્યુ હતુ, હવે આ બધાની વચ્ચે ગુજરાત કોંગ્રેસ પ્રભારીની નિયુક્તિનો મુદ્દો ચર્ચાએ ચઢ્યો છે. રાજ્યમાં નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારીની નિયુક્તિ કરવામાં આવશે. મહત્વનું છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે એઆઈસીસીમાં ચાર નામની ચર્ચા સૌથી વધુ થઇ રહી છે. આમાં બીકે હરીપ્રસાદ, રમેશ ચેનિથલા, અભિષેક પાંડે અને અજય માકન આ રેસમાં સૌથી આગળ છે. આ ચારમાંથી કોઇ એકને ચૂંટણી પહેલા ગુજરાતની કમાન સોંપવામાં આવી શકે છે.
સુત્રો તરફથી માહિતી છે કે, આ મુદ્દે મૂળ કર્ણાટકના એવા અગાઉ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રહી ચૂકેલા બીકે હરીપ્રસાદે આ પદ માટે અનિચ્છા દર્શાવી છે. આ પછી હવે મહારાષ્ટ્રના અભિષેક પાંડેને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપાઈ એવી પ્રબળ શક્યતા સેવાઇ રહી છે. અભિષેક પાંડે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ તરીકે અશોક ચૌહાણની સાથે રેસમાં છે. જો અશોક ચૌહાણના મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ બનાવાય તો અભિષેક પાંડેને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવાનું નક્કી થઇ જશે. મૂળ દિલ્લીના એવા અજય માકન દિલ્લી કોંગ્રેસને મજબુત બનાવવામાં સફળ થયા ન હોવાથી આ રેસમાં તેમની ગણતરી છે પરંતુ શક્યતા નહીવત છે. આ ઉપરાંત રમેશ ચેનિથલા વિધાનસભા ચૂંટણીમાં સ્ક્રિનીંગ કમીટીના સભ્ય રહી ચૂક્યા છે. આ નામ પણ પદ માટે ચર્ચામાં છે.
2022ની ચૂંટણીમાં કોગ્રેસની કારમી હાર પર સૌથી મોટો ખુલાસો, કૉંગ્રેસના નેતાઓએ કેટલી બેઠકો પર ટિકિટો વેચી હોવાનો રિપોર્ટમાં પર્દાફાશ
ગાંધીનગરઃ વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની હારને લઈ abp અસ્મિતા પર સૌથી મોટો ખુલાસો થયો હતો. પ્રદેશ કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટ વેચી હોવાનો ફેકટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો હતો. કોંગ્રેસની ફેકટ ફાઈન્ડિંગ કમિટીએ હાઈકમાન્ડને રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો હતો કે કોંગ્રેસ હાઈ કમાન્ડે મંજૂર કરેલા ઉમેદવારોનો ગુજરાતના નેતાઓએ સોદો કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસના કેટલાક નેતાઓએ 35 ઉમેદવાર પાસેથી રૂપિયા લઇને ટિકિટો આપી હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો હતો. એટલું જ નહીં દિલ્હીથી નક્કી થયેલા ઉમેદવારોને પ્રદેશના કેટલાક નેતાઓએ બદલી નાખ્યાં હતા. સાથે જ કોંગ્રેસના કેટલાક નેતાઓ પોતાના હાઈકમાન્ડને ઓવરટેક કરી ગયા હોવાનું પણ સામે આવ્યું હતું. નોંધનીય છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસ માત્ર 17 બેઠક પર સમેટાઈ ગઈ હતી.
ગુજરાત વિધાનસભાની 2022માં યોજાયેલી ચૂંટણીમાં કોગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસના હાઈકમાન્ડે હારના કારણો જાણવા ફેકટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરી હતી. આ કમિટીએ તૈયાર કરેલો રિપોર્ટ કોંગ્રેસ માટે આઘાતજનક છે. કમિટીએ પોતાના રિપોર્ટમાં લખ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની થયેલી હાર એ માત્ર હાર નથી પરંતુ ગુજરાતમાં કોંગ્રેસને ખતમ કરવાનું ષડયંત્ર છે. દિલ્હીથી નક્કી થયેલા ઉમેદવારો પૈકીના 35 ઉમેદવારો ગુજરાતના નેતાઓએ બદલ્યા હતા અને આ 35 ઉમેદવારો પાસેથી રૂપિયા લઇને ટિકિટ આપી હોવાનો ઉલ્લેખ પણ કોંગ્રેસની ફેકટ ફાઈન્ડિંગ કમિટીએ સોંપેલા રિપોર્ટમાં છે. આ ઉપરાંત રિપોર્ટની અંદર અનેક ચોકાવનારી બાબતોનો ઉલ્લેખ છે.
વિધાનસભા ચૂંટણી મળેલી કારમી હારના કારણો જાણવા માટે કોગ્રેસના હાઇકમાન્ડે 4 જાન્યુઆરી 2023ના રોજ 3 સભ્યોની ફેકટ ફાઈન્ડિંગ કમિટી બનાવી હતી. જેમાં નીતિન રાઉત કમિટીના ચેરમેન હતા. શકીલ અહેમદ ખાન અને સપ્તગીરી શંકર ઉલકા સમિતિના સભ્ય હતા. ગુજરાતના તમામ ઝોનમાં ફરીને કારણો જાણ્યા હતા અને કમિટીની ભલામણ સાથેનો રિપોર્ટ કોંગ્રેસ હાઈ કમાંડને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, કેટલાક લોકો દ્વારા ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ કરવા માટેનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને તેના જ કારણે આટલું ખરાબ પરિણામ ગુજરાતમાં કોંગ્રેસને મળ્યું છે. ઉપરાંત આર્થિક વ્યવહાર કરીને ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હોવાનો ફેકટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બાબત અંગે જો ભૂતકાળમાં જોઈએ તો ચૂંટણી સમયે રૂપિયા લઇને ટિકિટો આપવામાં આવી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર પર પણ આવો જ આરોપ લગાવ્યો હતો. ફેકટ ફાઈન્ડિંગ કમિટીએ પણ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને સોંપેલા રિપોર્ટમાં આર્થિક વ્યવહાર અને ટિકિટોની ફાળવણી અંગેનો ઉલ્લેખ કર્યો છે. સૂત્રોએ કરેલા દાવા મુજબ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, કોંગ્રેસ હાઈકમાંડે મંજૂર કરેલા ઉમેદવારોનો ગુજરાતના નેતાઓએ સોદો કર્યો હતો. કોંગ્રેસની ફેકટ ફાઈન્ડિંગ કમિટીએ હાઈકમાન્ડને સોંપેલા રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે, ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ 35 બેઠકો પરની ટિકિટો વેચી હતી. વિધાનસભા 2022ની ચૂંટણીમાં 35 બેઠકો નેતાઓએ ઉમેદવારોને વેચી હતી. 35 ઉમેદવારો પાસેથી રૂપિયા લઇને ટિકિટો આપી હતી. દિલ્હીથી નક્કી થયેલા ઉમેદવારો ગુજરાતના કેટલાક નેતાઓએ બદલી નાખ્યાં હતાં.
ફેકટ ફાઈન્ડિંગ કમિટીએ પોતાના રિપોર્ટમાં એવું તારણ પણ આપ્યું છે કે, ઉમેદવારોની પસંદગીમાં વ્હાલા દવલાની નીતિ રાખવામાં આવી છે..તેમજ ટિકિટ વહેંચણીમાં સામાજિક અને ભૌગોલિક સમીકરણનો અભાવ હતો. આ બાબતના ઉદાહરણ તરીકે અમદાવાદ શહેરની વટવા બેઠક ઉપર જે ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા હતા તે ઉમેદવાર હકીકતે અમદાવાદ ગ્રામ્યના હતા. આમ છતાં તેને શહેરની બેઠક પર મેન્ડેટ આપવામાં આવ્યો હતો. આ બાબતે પણ ચૂંટણી સમયે અનેક લોકોએ વિરોધ કર્યો હતો અને પ્રદેશ કાર્યાલય ખાતે ઉમેદવાર બદલવાની માંગણી સાથે દેખાવો પણ કર્યા હતા. ફેકટ ફાઈન્ડિંગ કમિટીએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને પ્રભારી બદલવાની પણ ભલામણ કરી છે.