ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર હોય કે ફોર-વ્હીલર, બધાને મળશે ટેક્સમાં જંગી છૂટ! ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Green mobility Gujarat: ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી મળશે લાભ, વાહન ૪.૦ પોર્ટલ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન શક્ય.

- ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત.
- આ છૂટ 31 માર્ચ, 2026 સુધી માન્ય રહેશે.
- હવે ઇલેક્ટ્રિક વાહનો પર માત્ર 1% ટેક્સ લાગશે.
- વાહન 4.0 પોર્ટલ દ્વારા ઓનલાઈન નોંધણી કરાવી શકાશે.
- આ નિર્ણયથી ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન મળશે.
Gujarat EV tax exemption: ગુજરાત સરકારે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો (EVs)ના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને ટકાઉ પરિવહનને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણયની અમલવારી કરી છે. રાજ્ય સરકારે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર લાગતા ટેક્સ દરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. વિધાનસભામાં ૨૦૨૫-૨૬ના બજેટ દરમિયાન આ અંગે જાહેરાત કરવામાં આવી હતી, જેને હવે લાગુ કરવામાં આવી છે.
રાજ્ય સરકારની જાહેરાત મુજબ, ઇલેક્ટ્રિક વાહનો પર લાગતો ૬ ટકા ટેક્સ હવે ઘટાડીને માત્ર ૧ ટકા કરી દેવામાં આવ્યો છે. આનો અર્થ છે કે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર વાહન માલિકોને સીધો ૫ ટકા ટેક્સનો ફાયદો મળશે. આ ટેક્સ છૂટ આગામી તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. વ્હીકલના પ્રકાર મુજબ ફક્ત ૧ ટકા લેખે જ ટેક્સ વસૂલવા માટે પરિપત્ર પણ જારી કરી દેવામાં આવ્યો છે.
સરકારના આ નિર્ણયથી ઇલેક્ટ્રિક વાહન ખરીદનારા નાગરિકોને મોટો આર્થિક ફાયદો થશે. ખાસ કરીને કાર માલિકોને વાહનની કિંમત પર આધાર રાખીને ૩૦ હજાર રૂપિયાથી લઈને ૧ લાખ રૂપિયા સુધીનો સીધો ફાયદો થશે. આનાથી ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી વધુ આકર્ષક બનશે અને લોકો EVs અપનાવવા માટે વધુ પ્રેરિત થશે.
ટેક્સ છૂટનો લાભ મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. નાગરિકો હવે વાહન ૪.૦ પોર્ટલ દ્વારા પોતાના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને આ ટેક્સ ઘટાડાનો સીધો લાભ મેળવી શકે છે. આ ઓનલાઈન સુવિધાથી સમય અને શક્તિનો બચાવ થશે.
ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપતી ગુજરાત સરકાર !
— Harsh Sanghavi (@sanghaviharsh) April 18, 2025
ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત સરકારે 31 માર્ચ, 2026 સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત કરી છે. આનાથી ટેક્સ દર ઘટીને માત્ર 1% થઈ ગયો છે.
નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમના ઇલેક્ટ્રિક…
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણને પ્રોત્સાહન આપવા માટે સબસિડી યોજના પણ અમલમાં મૂકી હતી. જેમાં ટુ-વ્હીલર પર ૨૫ હજાર રૂપિયા અને ૧૫ લાખ રૂપિયાથી ઓછી કિંમતના ફોર-વ્હીલર પર ૧.૫૦ લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવતી હતી. જોકે, છેલ્લા એક વર્ષથી આ સબસિડી બંધ કરી દેવામાં આવી હતી.
સબસિડી બંધ થયા બાદ રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં આશરે ૫૦ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. સુરત જેવા શહેરોમાં પણ વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો હતો. વેચાણમાં થયેલા આ ઘટાડાને જોતા રાજ્ય સરકારે બજેટ વખતે જ વાહન ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી હતી, જેની અમલવારી હવે શરૂ થઈ છે.
રાજ્ય સરકારને આશા છે કે ૬ ટકાથી ઘટાડીને ૧ ટકા કરાયેલા વ્હીકલ ટેક્સના કારણે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ફરીથી વધારો થશે. આ નિર્ણય પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છ ગુજરાતના નિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ઇલેક્ટ્રિક વાહનોના વધતા વપરાશથી વાયુ પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે અને રાજ્યના નાગરિકોને સ્વચ્છ હવા મળશે. સરકારનો આ નિર્ણય ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગ માટે પણ પ્રોત્સાહક સાબિત થશે.




















