ગુજરાતમાં અકસ્માતોની સુનામી: સુરત, પાટણ, મોડાસા સહિત અનેક જિલ્લામાં લોહીની નદીઓ વહી!
Gujarat road accidents: રાજ્યમાં સુરત, પાટણ, મોડાસા, દાહોદ, ભરૂચ અને સાબરકાંઠામાં અકસ્માતોની હારમાળા, એક જ પરિવારના છ સભ્યો સહિત અનેકના મોત.

Gujarat road accidents: રાજ્યમાં આજે અનેક સ્થળોએ માર્ગ અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાટણમાં એક જ પરિવારના છ સભ્યોના કરુણ મોત થયા છે, જ્યારે સુરત, મોડાસા, દાહોદ, ભરૂચ અને સાબરકાંઠામાં પણ અકસ્માતો નોંધાયા છે.
સુરતમાં પાલનપોર ઉગત કેનાલ રોડ પર એક બેફામ દોડતા ડમ્પર અને નંબર પ્લેટ વિનાની સીટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસના ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા પાછળથી પુર ઝડપે આવી રહેલા ડમ્પરે બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર કેટલાક મુસાફરોને નાની ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ પ્રતિબંધિત સમયમાં રોડ પર બેફામ દોડતા ડમ્પર અને નંબર પ્લેટ વિનાની બસને લઈને લોકોમાં ચર્ચા જાગી છે.
પાટણ જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યો સહિત છ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. સમી-રાધનપુર રોડ પર વાદી લોકો રીક્ષામાં પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થયા હતા. એક જ કોમના છ લોકોના મોતથી સમગ્ર વાદી સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મોડાસા-લુણાવાડા હાઇવે પર શહેર પાસે આવેલ પેટ્રોલ પંપની સામે એક મોટું ટ્રેલર પલટી ગયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, અન્ય વાહન ચાલકને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો હતો. સિમેન્ટ બનાવવા માટેનું મટીરિયલ ભરીને આ કન્ટેનર સેવાલિયા તરફ જઈ રહ્યું હતું. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રેલરના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને ટ્રેલરનો પાછળનો ભાગ છૂટો પડી ગયો હતો.
દાહોદ જિલ્લાના ઉસરા ગામે બે આઇસર ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી, જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. એક આઇસરમાં ખામી સર્જાતા તે રસ્તા નજીક ઊભું હતું, ત્યારે પાછળથી દવા ભરેલી બીજી આઇસરે તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને ગાડીઓ રસ્તા નીચે ઉતરી ગઈ હતી. વડોદરાથી ઇન્દોર દવા ભરીને જઈ રહેલી આઇસર ગાડીએ ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને ગાડીઓને નુકસાન થયું હતું અને બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ભરૂચ જિલ્લાના વાલિયાના કરા ગામ નજીક વરરાજાની કારને અકસ્માત નડ્યો હતો. કાર એક બળદ ગાડા સાથે અથડાતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને બળદનું મોત નીપજ્યું હતું. સદ્નસીબે વરરાજા અને કારમાં સવાર અન્ય લોકોનો આબાદ બચાવ થયો હતો. તેઓ સુરતના વાંકલથી જાન લઈને ઝઘડિયાના ધારોલી ગામ જઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર કાંકણોલ સ્વામીનારાયણ મંદિર સામે એક અકસ્માત થયો હતો. પતિ-પત્ની બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે એક પીકઅપ ડાલાએ પાછળથી બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. મૃતક મહિલા ગાંભોઈ રામપુરની રહેવાસી હતી. એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કાઠી-નાણાં ગામ વચ્ચે રાત્રિ દરમિયાન એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર અને બાઈક વચ્ચે થયેલા આ અકસ્માતમાં ટ્રેક્ટરના ટાયરમાં બાઈક સવારનો માથાનો ભાગ આવી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. 30 વર્ષીય મૃતક યુવક કાઠી ગામનો રહેવાસી હતો અને દૂધ ભરાવીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. 108 દ્વારા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હારીજ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને હારીજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.





















