Rain: હજુ પાંચ દિવસ ગુજરાત માટે ભારે, આજે 12 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટઃ હવામાન વિભાગ
Gujarat Rain: રાજ્યમાં હજુ આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે. આગાહીને લઇને હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના ચાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે

Gujarat Rain: ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે, ગુજરાત પર એક સાથે બે-ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં પાંચ દિવસ સુધી રાજ્યમાં અનેક જિલ્લાઓમાં એલર્ટ આપ્યુ છે. હવામાન વિભાગે આજે માહિતી આપતા જણાવ્યું કે, તમામ પોર્ટ પર LCS 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે માછીમારોને 25 મી ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતમાં ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લામાં જીનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં હજુ આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે. આગાહીને લઇને હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના ચાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયુ છે. આ ઉપરાંત આજે રાજ્યના 12 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. તંત્ર દ્વારા માછીમારોને 25 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટેની સૂચના અપાઇ છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 77.24 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સતત વરસાદના કારણે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે.
ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં છેલ્લા 43 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે. ચોમાસાની સ્થિતિમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને ૧૪ હજાર થી વધુ રૂટ ઉપર ૪૦ હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે.
ગુજરાતમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.





















