Gujarat Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગના નાઉકાસ્ટ અનુસાર, ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘ મહેર થશે તેવી આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain: હવામાન વિભાગના નાઉકાસ્ટ અનુસાર, ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘ મહેર થશે તેવી આગાહી કરવામાં આવી છે.
ક્યાં પડશે મધ્યમ વરસાદ?
બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી અને અરવલ્લી જિલ્લામાં મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં પવનની ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે તેવી શક્યતા છે.
ક્યાં પડશે હળવો વરસાદ?
આ ઉપરાંત, રાજ્યના અન્ય ભાગો જેવા કે કચ્છ, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ કરીને આજે જુનાગઢ, સાબરકાંઠા સહિત ૮ જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે તેવી આગાહી કરવામાં આવી છે. આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ
અરબી સમુદ્રમાં ઉદભવેલા ભારે કરંટના કારણે ગીર સોમનાથના વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદ
દિવસભર છૂટાછવાયા વરસાદ બાદ મોડી સાંજે ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા સાથે વરસેલા વરસાદથી પટેલવાગા, ટાવર ચોક, આંબેડકર ચોક અને જૈનવાગા જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત વેગા, ફરતિકુઈ, પૂડા, નડા, બોરબાર, થુવાવી અને રાજલિ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.
માધવપુરના ઘેડ વિસ્તારમાં પૂરની સ્થિતિ
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે માધવપુરના ઘેડ વિસ્તારમાં આવેલી ઓઝત અને મધુવંતી નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે કડછ અને મોચા ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ પૂરના પાણીમાં એક દૂધનું ટેન્કર ફસાઈ ગયું હતું, જેમાં સવાર 11 પુરુષો અને 2 મહિલાઓ જોખમમાં મુકાયા હતા. તંત્ર દ્વારા તાત્કાલિક એનડીઆરએફ (NDRF)ની ટીમને બોલાવવામાં આવી હતી અને તમામ લોકોને સફળતાપૂર્વક બચાવી લેવાયા હતા. આ જ રસ્તા પર એક વૃદ્ધ પાણીના પ્રવાહમાં તણાયા હોવાના અહેવાલ છે, જેમની શોધખોળ ચાલુ છે. એનડીઆરએફની ટીમ દ્વારા બે બોટ અને 15 સભ્યોની ટીમ સાથે શોધખોળ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. હાલ પૂરતો આ રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. એનડીઆરએફની કામગીરીથી સ્થાનિક લોકો પણ ખૂબ જ ખુશ છે.





















