Gujarat Rain: ગુજરાતમાં વરસાદ તબાહી મચાવશે, અંબાલાલે ઓગસ્ટની તારીખો માટે કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યના કેટલાક સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ આફત બનીને તૂટી પડે શકે છે

Gujarat Rain Forecast: ગુજરાતમાં આ વખતે ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી સામે આવી છે, આ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી છે, જુનાગઢથી લઇને પોરબંદર, દ્વારકા, સોમનાથ, અમરેલી સુધીના વિસ્તારો પાણી પાણી થયા છે. હવે આ બધાની વચ્ચે અંબાલાલા પટેલે પણ મોટી આગાહી કરી છે. ઓગસ્ટ મહિનાના અંતમાં ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે.
ગુજરાતમાં જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, હાલમાં મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં તોફાની વરસાદ વરસી પડ્યા પછી આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી છે, આવામાં રાજ્યમાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યના કેટલાક સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ આફત બનીને તૂટી પડે શકે છે. ઓગસ્ટના અંત સુધીમાં અને સપ્ટેમ્બરની શરુઆતમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેની સાથે તેમણે નદીઓને નવા નીર મળવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. અંબાલાલે સૌરાષ્ટ્રની સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે અગાઉ કરેલી આગાહીમાં જણાવ્યું હતું કે, 30 ઓગસ્ટ સુધીમાં અને સપ્ટેમ્બરની શરુઆતમાં રાજ્યના ઘણાં ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં થવાની શક્યતાઓ છે. મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે, જેના કારણે નર્મદા નદી બે કાંઠે થશે તેવી પણ સંભાવનાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગણેશ ચતુર્થી અને પર્યુષણના તહેવારો દરમિયાન વરસાદ મન મૂકીને વરસશે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત સહિતના ભાગોમાં ભારે વરસાદ કે ભારે વરસાદી ઝાપટાં થવાની શક્યતાઓ છે.
આ ઉપરાંત ગુજરાત માટે હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં સાત દિવસની આગાહી કરી છે તેમાં રાજ્યમાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે, જેમાં આજના દિવસ માટે કરાયેલી આગાહીમાં સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.





















