RTO ના ધક્કા ભૂલી જાઓ! 7 જુલાઈથી ગુજરાતમાં 'ફેસલેસ' લર્નિંગ લાઇસન્સ સુવિધા શરૂ, અરજી કરો ઘરબેઠા
આરટીઓ, પોલિટેકનિક અને ITI ની મુલાકાત લીધા વિના ઓનલાઈન ટેસ્ટ આપી શકાશે; અરવલ્લીના મોડાસાથી પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઓટોમેટિક ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રણાલીનો પણ પ્રારંભ.

- 7મી જુલાઈથી ગુજરાતમાં 'ફેસલેસ લર્નિંગ લાઇસન્સ' પ્રણાલીનો આરંભ.
- અરજદારો ઘેરથી વેબકેમ ધરાવતા લેપટોપ/કમ્પ્યુટર વડે ઓનલાઇન ટેસ્ટ આપી શકે.
- અરજી માટે www.parivahan.gov.in પોર્ટલ પર ફેસલેસ લાઇસન્સ સેક્શન પસંદ કરીને વ્યવસ્થા ઉપલબ્ધ છે.
- 40 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અરજદારો અને ટ્રાન્સપોર્ટ ક્લાસ માટે ફોર્મ-1A અપલોડ કરવું ફરજિયાત હશે.
- અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઓટોમેટિક લાઇસન્સ સિસ્ટમ શરૂ થશે.
Gujarat faceless learning license: ગુજરાતના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયામાં એક ક્રાંતિકારી નવી શરૂઆત થવા જઈ રહી છે. રાજ્યના વાહન વ્યવહાર કમિશનર અનુપમ આનંદે માહિતી આપી હતી કે, 7મી જુલાઈ, 2025 થી ગુજરાતમાં 'ફેસલેસ લર્નિંગ લાઇસન્સ' પ્રણાલીનો પ્રારંભ થશે. આ સુવિધા અંતર્ગત, અરજદારોને લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે આરટીઓ, પૉલિટેકનિક કે આઇ.ટી.આઇ. જેવી કચેરીઓની ભૌતિક મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં.
કેવી રીતે મળશે ફેસલેસ લર્નિંગ લાઇસન્સ?
આ નવી સિસ્ટમ દ્વારા અરજદારો પોતાના આધાર નંબરનો ઉપયોગ કરીને ઘરે બેઠા અથવા કોઈપણ જગ્યાએથી લેપટોપ કે વેબકેમ ધરાવતા કમ્પ્યુટર દ્વારા લર્નિંગ લાઇસન્સનો ટેસ્ટ આપી શકશે.
www.parivahan.gov.in પોર્ટલ પર જઈને 'Online services' માંથી 'Driving License related service' સિલેક્ટ કરીને અને પછી 'કોન્ટેક્ટલેસ(ફેસલેસ) લર્નિંગ લાયસન્સ' ટેબ પર ક્લિક કરીને અરજી કરી શકાશે. અરજદારે આધાર નંબર દાખલ કર્યા બાદ આધાર સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર આવતા
OTP દ્વારા પ્રમાણીકરણ કરવાનું રહેશે. પ્રમાણીકરણ સફળ થયા બાદ અરજદાર ઓનલાઈન ટેસ્ટ આપીને લર્નિંગ લાઇસન્સ મેળવી શકશે.
આ સંપૂર્ણ પ્રક્રિયા માટે કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં, ફક્ત લર્નિંગ લાઇસન્સની નિયત ફી જ લાગુ પડશે. જો અરજદાર
40 વર્ષથી વધુ ઉંમરના હોય અને ભારે વાહન (ટ્રાન્સપોર્ટ ક્લાસ) માટે અરજી કરતા હોય, તો તેમને ફોર્મ-1A અપલોડ કરવું પડશે.
આવનારી નવી ટેકનોલોજી અને પાયલોટ પ્રોજેક્ટ
વાહન વિભાગ આગામી દિવસોમાં ફેસલેસ લાઇસન્સ માટેની વિગતવાર માર્ગદર્શિકા વેબસાઇટ પર સત્તાવાર રીતે જાહેર કરશે. આ ઉપરાંત, વાહન વિભાગ વધુ એક મહત્વપૂર્ણ વિકલ્પ ઊભો કરી રહ્યું છે, જેમાં વીડિયો એનાલિટિક્સ આધારિત આધુનિક ડ્રાઇવિંગ લાઇસન્સની સુવિધા મળશે.
આની શરૂઆત ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે થશે, જ્યાં ઓટોમેટિક ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રણાલી અમલમાં આવશે. આ ટેક્નોલોજી આગામી છ મહિનામાં ધીમે ધીમે સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે. આ અભિગમ રાજ્યમાં ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત કામગીરીમાં નવી પારદર્શિતા, ઝડપ અને ટેકનિકલ સક્ષમતા લાવશે, જેનાથી ઓનલાઈન અરજી પ્રક્રિયા વધુ આધુનિક અને લોકલક્ષી બનશે.




















