Gujarat Monsoon : ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદ, બોટાદના બરવાળામાં એક ઇંચથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 5 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ બોટાદના બરવાળામા એક ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ધંધુકા અને અમરેલીના સાવરકુંડલામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
ગાંધીનગરઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 5 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ બોટાદના બરવાળામા એક ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ધંધુકા અને અમરેલીના સાવરકુંડલામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તેમજ ધોલેરામાં પણ 5 મીમી વરસાદ પડ્યો હતો. આ પહેલા 7મી જૂને રાજ્યના 12 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં અમરેલીના લાઠીમાં સૌથી વધુ બેથી વધુ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુરેન્દ્રનગરના ચુડામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આજે અમદાવાદ સહિત આણંદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને અમરેલીમાં વરસશે વરસાદ. 10 જૂને અમદાવાદ, આણંદ, ખેડા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસશે વરસાદ. તો સૌરાષ્ટ્રમાં સુરેંદ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસશે વરસાદ.
11 જૂને અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં વરસશે વરસાદ, જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ વરસશે.
12 જૂને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ વરસશે, તો દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદની સાથે 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે, તો જ્યાં વરસાદ વરસવાનો છે ત્યાં તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ઘટશે.
પ્રિમોનસૂન એક્ટિવિટીને લઈ હાલ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે, તો પ્રિ-મોનસૂનના આરંભે જ રાજ્યમાં આફત શરૂ થઈ ગઈ છે. વીજળી પડતા રાજ્યમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. જેમાં લીંબડીના જાંબુ અને નાની કઠેચી ગામે વીજળી પડવાથી બેના મોત નિપજ્યા છે. જ્યારે પાટણના હારીજમાં એક અને ભાવનગરના સિહોરમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. તો આ તરફ ધંધુકાના જીળાય ગામમાં વાવાઝોડાથી ફંગોળાતા 11 વર્ષનો બાળક કેનાલમાં ગરકાય થયો હતો.
અમરેલી જિલ્લામાં વરસાદ
અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે. સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગામોમાં આજે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. લીલીયા તાલુકાના તલાવડા ગામ જ્યાં ધોધમાર વરસાદ વરસતા ગામની શેરીઓમાં પાણી વહેતા થયા. તો સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં મેઘરાજાની ધમાકેદાર એંટ્રી થઈ હતી. ભારે પવન સાથે હાડીડા અને તેની આસપાસના લીખાળા, સાપરી સહિતના ગામમાં વરસાદ વરસ્યો હતો. તો સાવરકુંડલાના નાળ ગામે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.