PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
Small Savings Schemes: વિવિધ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરો 1 જાન્યુઆરી, 2026થી શરૂ થતા સતત સાતમા ક્વાર્ટર માટે યથાવત રહ્યા છે.

Small Savings Schemes: સરકારે નાની બચત યોજનાઓ અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સરકારે બુધવારે જાહેરાત કરી હતી કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને નેશનલ સિક્યુરિટી એકાઉન્ટ (NSC) સહિત વિવિધ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરો 1 જાન્યુઆરી, 2026થી શરૂ થતા સતત સાતમા ક્વાર્ટર માટે યથાવત રહ્યા છે.
નાણા મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, "નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ક્વાર્ટર (1 જાન્યુઆરી, 2026 થી શરૂ થતા અને 31 માર્ચ, 2026 ના રોજ સમાપ્ત થતા) માટે વિવિધ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરો નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ક્વાર્ટર (1 સપ્ટેમ્બર, 2025 થી શરૂ થતા અને 31 ડિસેમ્બર, 2025 ના રોજ સમાપ્ત થતા) જેટલા જ રહેશે."
નાની બચત યોજનાઓ પર કેટલું વ્યાજ મળશે?
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ થાપણો પર 8.2 ટકા વ્યાજ દર મળશે, જ્યારે ત્રણ વર્ષની થાપણો પર વ્યાજ દર 7.1 ટકા રહેશે, જે વર્તમાન ક્વાર્ટરમાં સમાન છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને પોસ્ટ ઓફિસ સેવિંગ્સ ડિપોઝિટ સ્કીમ્સ માટે વ્યાજ દર અનુક્રમે 7.1 ટકા અને 4 ટકા રહેશે.
કિસાન વિકાસ પત્ર પર વ્યાજ દર 7.5 ટકા રહેશે, અને રોકાણો 115 મહિનામાં મૈચ્યોર થશે
જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રો (NSC) પર વ્યાજ દર 7.7 ટકા પર સ્થિર રહેશે.
માસિક આવક યોજના રોકાણકારોને ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર દરમિયાન 7.4 ટકા વળતર આપશે, જે વર્તમાન ક્વાર્ટરની જેમ જ છે.
પોસ્ટ ઓફિસ અને બેન્કો દ્વારા સંચાલિત નાની બચત યોજનાઓ પરના વ્યાજ દર પણ યથાવત રહ્યા છે. અગાઉ, સરકારે 2023-24ના ચોથા ક્વાર્ટરમાં કેટલીક યોજનાઓમાં ફેરફાર કર્યા હતા. સરકાર દર ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓ પર વ્યાજ દર જાહેર કરે છે.
આનો અર્થ એ થયો કે નાણાકીય વર્ષ 2025-26 ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ, પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ, પોસ્ટ ઓફિસ બચત ખાતું, પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC), સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS), કિસાન વિકાસ પત્ર (KVP), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) ખાતા જેવી યોજનાઓના દરોમાં કોઈ ફેરફાર થયો નથી.
સરકાર તેની રાજકોષીય ખાધને પહોંચી વળવા માટે નાની બચત યોજનાઓમાંથી એકત્રિત કરેલા નાણાંનો ઉપયોગ કરે છે. સરકારનો ઉદ્દેશ્ય નાણાકીય વર્ષ 2026માં રાષ્ટ્રીય નાની બચત ભંડોળમાંથી 3.43 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનો છે. આ ગયા વર્ષના 4.12 લાખ કરોડના સુધારેલા અંદાજ કરતા ઓછો છે. કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2026માં તેની રાજકોષીય ખાધને કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) ના 4.4 ટકા સુધી ઘટાડવાનો છે, જે ગયા વર્ષના 4.8 ટકાથી ઓછો છે.





















