ખેડામાં થાર અને બસની એવી ટક્કર કે જોવાવાળાના રૂવાંડા ઊભા થઈ જાય! થાર ચાલકનું ઘટનાસ્થળે મોત, મુસાફરો ઘાયલ
કપડવંજ-નડિયાદ રોડ પર ફાત્યાબાદ કેનાલ પાસે બની ઘટના, પુરપાટ ઝડપે આવતી થારે બસને મારી ટક્કર.

Kheda road accident news: કપડવંજ-નડિયાદ રોડ પર આવેલી ફાત્યાબાદ કેનાલ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિન્દ્રા થાર અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની બસ સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં થાર ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે એસટી બસમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, કપડવંજથી નડિયાદ તરફ જઈ રહેલી એક મહિન્દ્રા થાર પુરપાટ ઝડપે આવી રહી હતી અને અચાનક સામેથી આવી રહેલી એસટી બસ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એસટી બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને બસ રોડની બાજુમાં એક વૃક્ષ સાથે અથડાઈ હતી.
આ દુર્ઘટનામાં થાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે એસટી બસમાં સવાર મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે કપડવંજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે મૃતક થાર ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. આતરસુંબા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે.
ગુજરાતમાં અકસ્માતની વણઝાર
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં હરદાસ ચોકી પાસે એક કાર ચાલક યુવકે પૂર ઝડપે ગાડી ચલાવીને ત્રણ લોકોને અડફેટે લીધા હતા. મિત્રો સાથે ઝઘડો કરીને ભાગી રહેલા કરણ નામના આ યુવકે અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર અને અન્ય બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના જોરાવરનગર અંડરબ્રીજ પાસે એક બેફામ કાર ચાલકે રાહદારીને ટક્કર મારતાં વિજય પાટડિયા નામના યુવકનું મોત નીપજ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં આ ઘટના કેદ થઈ હતી. પોલીસે કાર ચાલકની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.
અમરેલીના વડીયા જેતપુર રોડ પર ચારણીયા નજીક એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલા કપચી ભરેલા ડમ્પરે એક બાઇકને ટક્કર મારી હતી. ટક્કર બાદ ડમ્પર પુલ પરથી નીચે ઉતરીને પલટી ખાઈ ગયું હતું અને બાઇકમાં આગ લાગી ગઈ હતી. બાઇક પર સવાર ત્રણ મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા છે. ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો હતો.





















