Gujarat Rain: ચાર દિવસ ગુજરાત માટે ભારે, 1 જુલાઇ સુધી આ 12 જિલ્લા થશે પાણી-પાણી
Gujarat Rain News: રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 23 જિલ્લાના 140 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે

Gujarat Rain News: ગુજરાતમાં ચોમાસાએ ગતિ પકડી છે, છેલ્લા બે અઠવાડિયાથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે હાલમાં ગુજરાતમાં સિઝનનો કુલ 26 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. પરંતુ આ બધાની વચ્ચે હવે હવામાન વિભાગે આગામી 1લી જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને 13 જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકશે. આમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. નર્મદા અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે ગુજરાત માટે લેટેસ્ટ આગાહી કરી છે, તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે, 1લી જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આમાં સૌથી વધુ અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, મહિસાગર, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં અત્યારે સુધી સિઝનનો કુલ 26 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ક્યાંક આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યો છે તો ક્યાંક આફતરૂપ પણ બન્યો છે.
24 કલાક દરમિયાન 23 જિલ્લાના 140 તાલુકાઓમાં વરસાદ વરસ્યો -
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 23 જિલ્લાના 140 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, સુરતના ઉમરપાડા અને તાપીના ડોલવણ તાલુકામાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં, વડોદરાના કરજણ, નવસારીના વાંસદા, તાપીના કુકરમુંડા, નર્મદાના ડેડીયાપાડા તેમજ મહિસાગરના લુણાવાડા તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ, તાપીના વ્યારા અને વલોદ તથા વલસાડ તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના 20 તાલુકામાં બે ઇંચથી વધુ, 24 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 83 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના દક્ષિણી કુબેરનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. તેમજ મીઠાખળી અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે. મણીનગરમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ પડ્યો છે. શહેરના ચકોડીયા માધ્યમમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ આવ્યો છે. તથા ઓઢવમાં સાડા 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તથા વિરાટનગરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ મેમકોમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.




















