ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડા જેવો પવન ફુંકાશે, દરિયો ગાંડોતુર બનશે; જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આગામી 24 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

IMD weather warning Gujarat: ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે પવનની આગાહી કરી છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા માટે ચેતવણી આપી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના ભાગો પર પ્રેશર ગેડિયન્ટ સર્જાવાના કારણે પવનની ગતિમાં વધારો થયો છે. ગતરોજ પણ રાજ્યમાં 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને આજે પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. દિવસ દરમિયાન પવનની ગતિ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
પવનની દિશા ઉત્તર પૂર્વ અને પૂર્વ તરફથી હોવાથી આગામી 24 કલાકમાં તાપમાનમાં પણ બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. જેના કારણે ગુજરાતવાસીઓને ઠંડીથી રાહત મળશે અને ગરમીનો અનુભવ થશે. જો કે, પવનની ગતિ વધુ રહેવાના કારણે ગરમીની અસર આંશિક રીતે ઓછી થઈ શકે છે.
છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં ઉત્તર દિશા તરફથી પવન ફૂંકાવાના કારણે નલિયાના તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 7.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અન્ય મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં એક થી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. અમદાવાદમાં 15 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 17.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 13.3 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને દરિયાકાંઠા વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવા માટે સૂચના આપી છે. માછીમારોને ખાસ કરીને દરિયામાં ન જવા અને સલામત સ્થળે રહેવા માટે તાકીદ કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. તો જુનાગઢના ભાગોમાં પવનની ગતિ 12થી 15 કિમી પ્રતિ કલાક રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 16 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. રાજકોટના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. 8, 9 અને 10 તારીખે તાપમાનમાં વધારો થશે.
આ પણ વાંચો...
AAP કે BJP, Axis My Indiaના એક્ઝિટ પોલ કોની ઊંઘ ઉડાડી? સરકારનું ચિત્ર સ્પષ્ટ....
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
