મુખ્યમંત્રીની સૂચના બાદ રસ્તાઓને ચમકાવામાં લાગ્યું તંત્રઃ 14,000થી વધુ ખાડા પુરાયા, માઈનોર પેચવર્ક 51% પૂર્ણ, 183 રસ્તાઓને અપાયું ડાયવર્ઝન
ગુજરાતમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામ યુદ્ધના ધોરણે: મુખ્યમંત્રીની સૂચનાથી કામગીરી વેગીલી.

- યુદ્ધના ધોરણે સમારકામ: મુખ્યમંત્રીની સૂચનાથી વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી ઝડપથી ચાલી રહી છે.
- ખાડા પૂરવાની પ્રગતિ: રાજ્યભરમાં 14,169 થી વધુ ખાડાઓમાંથી 8,841 (62%) થી વધુ ખાડા પૂરવાનું કામ પૂર્ણ થયું છે.
- પેચવર્કની સ્થિતિ: માઈનોર પેચવર્કનું 51% અને મેજર પેચવર્કનું 40% કામ પૂરું થયું છે.
- ડાયવર્ઝન અને ટ્રાફિક: કુલ 183 રસ્તાઓને ડાયવર્ઝન અપાયું હતું, જેમાંથી 12 રસ્તાઓ પર ટ્રાફિક પુનઃ ચાલુ કરાયો છે અને 3 વૈકલ્પિક માર્ગો પણ કાર્યરત થયા છે.
- ગુણવત્તા નિયંત્રણ: 154 ડાયવર્ઝનવાળા રસ્તાઓનું ગુણવત્તા નિયંત્રણ (Quality Control) દ્વારા નિરીક્ષણ કરાયું છે, અને બાકીના રસ્તાઓ પર પણ કામગીરી ચાલુ છે.
Gujarat road repair after rain: ચોમાસામાં વરસેલા ભારે વરસાદને કારણે ગુજરાતના અનેક વિસ્તારોના રોડ-રસ્તાઓને વ્યાપક નુકસાન થયું છે. નાગરિકોને ખરાબ રસ્તાઓના કારણે કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના મુજબ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. આ કામગીરી હેઠળ રસ્તાઓને પૂર્વવત કરવામાં આવી રહ્યા છે.
સમારકામની પ્રગતિ અને ડાયવર્ઝનની સ્થિતિ
રાજ્યભરમાં કુલ 1.19 લાખ કિલોમીટરથી વધુ લંબાઈના રાજ્ય, પંચાયત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાટનગર યોજનાના રસ્તાઓ આવેલા છે. આ પૈકી, ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી ચાલી રહી છે.
- માઈનોર પેચવર્ક: 1,893 કિલોમીટરના રસ્તાઓ પર માઈનોર પેચવર્ક કરવાનું હતું, જેમાંથી 957 કિલોમીટર (51%) કામ પૂર્ણ થઈ ગયું છે.
- મેજર પેચવર્ક: 1,074 કિલોમીટરના રસ્તાઓ પર મેજર પેચવર્ક કરવાનું હતું, તેમાંથી 425 કિલોમીટર (40%) રસ્તાઓનું કામ પૂરું કરવામાં આવ્યું છે.
- પોટહોલ્સ-ખાડા પૂરવાની કામગીરી: કુલ 14,169 માઈનોર પોટહોલ્સ-ખાડા પૈકી 8,841 (62% થી વધુ) ભરવાની કામગીરી પૂરી થઈ ગઈ છે. આમાં કોન્ક્રીટથી ભરેલા 243, પેવર બ્લોકથી ભરેલા 138, મેટલથી ભરેલા 5,480 અને ડામરથી ભરેલા 2,840 પોટહોલ્સનો સમાવેશ થાય છે.
બાકી રહેલા રસ્તાઓના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. આગામી દિવસોમાં પણ અસુવિધા ન થાય તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
વરસાદને કારણે રાજ્યમાં કુલ 183 રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જેમાંથી 154 રસ્તાઓનું ક્વોલિટી કંટ્રોલ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. ડાયવર્ઝન અપાયેલા રસ્તાઓમાંથી 12 રસ્તાઓનું સ્ટ્રક્ચર પૂર્ણ થતા તેના પર, અને અન્ય 3 વૈકલ્પિક રસ્તાઓ પર ટ્રાફિક પુન: ચાલુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 98 જેટલા ડાયવર્ઝન સારી કન્ડિશનમાં છે, જ્યારે 41 ડાયવર્ઝન રિપેરિંગ હેઠળ છે, તેમ માર્ગ અને મકાન વિભાગની યાદીમાં જણાવાયું છે. આ તમામ પ્રયાસોનો ઉદ્દેશ્ય નાગરિકોને સુગમ અને સુરક્ષિત પરિવહન સુવિધા પૂરી પાડવાનો છે.





















