Gujarat Rain Live: ચોમાસા પહેલા ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, દક્ષિણમા પવન સાથે વરસાદ, અનેક સ્થળે વીજળી ગૂલ
Gujarat Weather News: ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ વરસાદી કહેર શરૂ થયો છે, હવામાન વિભાગ અને આગાહીકારોએ હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે

Background
Gujarat Weather News: ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ વરસાદી કહેર શરૂ થયો છે, હવામાન વિભાગ અને આગાહીકારોએ હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, આજે રાજ્યમાં 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, તો વળી, 17 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં 50 થી 60 કીમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ તૂટી પડશે. આગામી ત્રણ દિવસ સુધી હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
તાપીના વ્યારા અને સોનગઢ સહિતના ગામોમાં વરસાદ
દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે, તાપીમાં રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે, ડોલવણ, વ્યારા, સોનગઢમાં વરસાદ ખાબક્યો છે, તાપીના ડોલવણમાં સવાર સુધી એક ઈંચ વરસાદ ખાબક્યો છે, વ્યારામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે, જનરલ હોસ્પિટલ, કાનપુરા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ અને વ્યારાના ફ્લાવર સિટી સોસાયટી રોડ નજીક પાણી ભરાયા છે, પવન સાથે વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારોમાં વીજળી ગૂલ થઇ ગઇ છે.
દક્ષિણ બાદ મધ્ય ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી
મુંબઇ બાદ દક્ષિણ ગુજરાત અને હવે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી થઇ ગઇ છે, વડોદરા બાદ દાહોદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, આજે દાહોદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે, જાલત, ગલાલીયાવાડ, છાપરી, રામપુરામાં વરસાદ પડ્યો છે, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વીજળી ગૂલ થવાની પણ ઘટના સામે આવી છે.




















