ગુજરાતમાં ભરઉનાળે કમોસમી વરસાદનો કહેર: બે કલાકમાં રાજ્યના ૫૩ તાલુકામાં વરસાદ, ભાવનગરના સિહોરમાં સૌથી વધુ ૧.૫ ઈંચ
સાંજના બે કલાકમાં રાજ્યના અડધાથી વધુ જિલ્લાઓમાં વરસાદી માહોલ, ગાજવીજ અને પવન સાથે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક, ખેડૂતોની ચિંતા યથાવત.

Unseasonal rain in Gujarat: ગુજરાતમાં હાલ ઉનાળાના આકરા તાપ વચ્ચે વાતાવરણમાં આવેલા અચાનક પલટા અને કમોસમી વરસાદનો પ્રકોપ યથાવત છે. આજે સાંજે ૬ થી ૮ વાગ્યાના માત્ર બે કલાકના સમયગાળામાં રાજ્યના કુલ ૫૩ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે, જે દર્શાવે છે કે વરસાદી માહોલ કેટલો વ્યાપક બન્યો હતો.
સૌથી વધુ વરસાદ ભાવનગરના સિહોરમાં
આજે સાંજે થયેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં નોંધાયો છે, જ્યાં ૧.૪૬ ઈંચ માવઠું વરસી ગયું હતું. આ ઉપરાંત, ભાવનગર શહેરમાં પણ માત્ર બે કલાકના સમયગાળામાં ૧.૬ ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.
અન્ય તાલુકાઓમાં નોંધાયેલો વરસાદ
રાજ્યના અન્ય કેટલાક તાલુકાઓ અને શહેરોમાં પણ આ સમયગાળા દરમિયાન અડધાથી પોણા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે:
- ગાંધીનગરના માણસામાં ૦.૯૪ ઈંચ વરસાદ
- ખેડાના નડિયાદમાં ૦.૮૭ ઈંચ વરસાદ
- વડોદરા શહેરમાં પોણો ઈંચ (૦.૭૫ ઈંચ) વરસાદ
- બનાસકાંઠાના દિયોદરમાં પોણો ઈંચ (૦.૭૫ ઈંચ) વરસાદ
- આણંદના સોજીત્રામાં પોણો ઈંચ (૦.૭૫ ઈંચ) વરસાદ
- કપડવંજ (ખેડા), વસો (આણંદ) અને ધોળકા (અમદાવાદ) માં અડધો ઈંચ (૦.૫ ઈંચ) વરસાદ નોંધાયો.
સાંજે ૬ થી ૮ વાગ્યા દરમિયાન વરસેલા આ કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી છે, પરંતુ ગાજવીજ અને ભારે પવન સાથે થયેલા વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉભા પાકને આ માવઠાથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદને ધ્યાનમાં રાખતા સરકારે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા, લોકોને કરી આ અપીલ
હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની વ્યાપક આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજ્ય સરકારે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. રાજ્ય સરકારે લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સલામત સ્થળે રહેવા માટે અપીલ કરી છે અને ઇમરજન્સી હેલ્પ લાઇન નંબર પણ જાહેર કર્યા છે.
રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી છે. લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા અને વાવાઝોડા/વરસાદની સ્થિતિમાં સુરક્ષિત સ્થળે આશ્રય લેવા માટે ખાસ અપીલ કરાઈ છે.
ઇમરજન્સી હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા:
કોઈપણ અનિવાર્ય સંજોગોમાં જો જરૂર જણાય, તો નાગરિકો મદદ માટે સંપર્ક કરી શકે તે હેતુથી સરકારે ઇમરજન્સી હેલ્પ લાઇન નંબર પણ જાહેર કર્યા છે. નાગરિકો નીચેના નંબર પર સંપર્ક કરી શકે છે:
- સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર: હેલ્પ લાઇન નંબર ૧૦૭૦
- ડિસ્ટ્રીક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર: હેલ્પ લાઇન નંબર ૧૦૭૭
નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે જરૂર જણાય ત્યારે આ હેલ્પ લાઇન નંબર પર સંપર્ક કરીને મદદ મેળવે.





















