Ahmedabad Rain: અમદાવાદમાં મોડી સાંજે વાવાઝોડાએ તબાહી મચાવી: ધોળકા હાઇવે પર હોર્ડિંગ પડતા રિક્ષાચાલકનું મોત
અચાનક આવેલા ભારે પવન અને આંધીથી જનજીવન પ્રભાવિત, શ્યામલ ચાર રસ્તા પાસે હોર્ડિંગ પડતા ૨ને સામાન્ય ઇજા, સાયન્સ સિટીમાં મંડપ અને વૃક્ષો પડ્યા, દસક્રોઈના ગામડાઓમાં કરા પડ્યા.

Ahmedabad storm news today: ઉનાળાની ગરમી વચ્ચે અમદાવાદ શહેરમાં આજે મોડી સાંજે અચાનક આવેલા ભારે વાવાઝોડા અને આંધીએ વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ, વૃક્ષો અને મંડપો ધરાશાયી થયા હતા, જેના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને જનજીવન પ્રભાવિત થયું હતું.
ધોળકા હાઇવે પર હોર્ડિંગ પડતા મોત:
સૌથી દુઃખદ ઘટના અમદાવાદ ધોળકા હાઇવે પર બની હતી. સાંજના સમયે આવેલી આંધી અને ભારે પવનના કારણે એક વિશાળ હોર્ડિંગ ચાલુ રિક્ષા પર પડ્યું હતું. આ દુર્ઘટનામાં રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
શ્યામલ ચાર રસ્તા પાસે હોર્ડિંગ ધરાશાયી, ટ્રાફિક જામ:
શહેરના મુખ્ય ગણાતા શ્યામલ ચાર રસ્તા ઉપર પણ ભારે પવનના કારણે એક વિશાળ હોર્ડિંગ ધરાશાયી થયું હતું. લોખંડની પેનલ વળી જઈને હોર્ડિંગ મુખ્ય માર્ગ ઉપર પડ્યું હતું. આ ઘટનામાં બે વાહનચાલકોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે, જોકે સત્તાવાર માહિતી હાલ સામે આવી નથી. હોર્ડિંગ ધરાશાયી થવાના કારણે શ્યામલ ચાર રસ્તાથી જીવરાજ મહેતા ચાર રસ્તા સુધીનો માર્ગ કલાકો સુધી બંધ રહ્યો હતો અને લેફ્ટ ફ્રી લેન ઉપર પણ આડશ મૂકીને રોડ બંધ કરી દેવાયો હતો, જેના કારણે વ્યાપક ટ્રાફિક જામ સર્જાયો હતો.
સાયન્સ સિટી વિસ્તારમાં મીની વાવાઝોડા જેવી અસર:
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં પણ આ મોડી સાંજની આંધી અને વંટોળની ભારે અસર જોવા મળી હતી. સાયન્સ સિટીના આર.કે. રોયલ હોલ પાસે કેરી વેચવા માટે લગાવેલો એક મોટો મંડપ વંટોળના કારણે ઉડીને મુખ્ય રોડ ઉપર પડ્યો હતો, જેના પરિણામે ઘણા સમય સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. આસપાસના લોકોએ મંડપ દૂર કરતાં બાદમાં ટ્રાફિક હળવો થયો હતો. સાયન્સ સિટી વિસ્તારમાં અનેક સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા, જેના કારણે માર્ગો પર ટ્રાફિક અવરોધાયો હતો. સ્થાનિકો આ વિસ્તારમાં 'મીની વાવાઝોડા'ની અસર હોવાનું જણાવી રહ્યા હતા.
શહેરમાં ૯ સ્થળોએ વૃક્ષો ધરાશાયી:
બપોર બાદ શહેરમાં એકાએક આવેલા હવામાનના પલટા અને ભારે પવનના કારણે શ્યામલ અને સાયન્સ સિટી ઉપરાંત શહેરમાં અન્ય નવ સ્થળોએ પણ વૃક્ષો પડવાની ઘટનાઓ સામે આવી હતી, જેના કારણે અનેક જગ્યાએ ટ્રાફિકને અડચણ ઊભી થઈ હતી.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કરા પડ્યા:
શહેરની સાથે સાથે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોડી સાંજે વાતાવરણ બદલાતા કમોસમી વરસાદ અને કરા પડ્યા હતા. દસક્રોઈ તાલુકાના અનેક ગામડાઓમાં કરા પડ્યા હતા. વસઈ અને અસલાલી જેવા વિસ્તારોમાં કરા સાથે વરસાદ નોંધાયો હતો.





















