Gujarat Weather: રાજ્યમાં 5 દિવસ રહશે વરસાદી માહોલ, વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે
Gujarat Weather Update: રાજસ્થાન તરફ સર્જાયેલ સર્ક્યુલેશનની અસરથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. તાપમાનનો પારો 2 દિવસ વધશે ત્યારે બાદ ઘટી જશે.
Gujarat Weather Update: રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ,સુરત,નવસારી,તાપી,ભાવનગર, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદની આગાહી છે. આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહશે.
વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજસ્થાન તરફ સર્જાયેલા સર્ક્યુલેશનની અસરથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. તાપમાનનો પારો 2 દિવસ વધશે ત્યારે બાદ ઘટી જશે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જેની અસર આવતા સપ્તાહે જોવા મળશે.
અમરેલી જિલ્લાના ગીર વિસ્તારમાં કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમરેલી જિલ્લાના ધારીના ગ્રામ્ય વિસ્તારો ફરી કમોસમી વરસાદની ઝપટે ચડ્યા છે. સુખપુર, કાંગસા, ગોવિંદપુર, દલખાણીયા સહિતના ગામોમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ છે. ધારીના સરસિયા અને જીરામાં પણ કમોસમી વરસાદના ઝાપટા છે. આ વિસ્તારમાં સતત કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે.
દેશના કેટલાક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ તોફાનને લઇને ચેતવણી
દેશના ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 માર્ચ સુધી મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને તોફાનને લઇને એલર્ટ જાહેર કરાયું છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં વરસાદ પડવાની સંભાવના છે. આકાશ વાદળછાયું રહેશે. અહીં 16 માર્ચે મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી રહી શકે છે.
16 થી 20 માર્ચ દરમિયાન પૂર્વી ભારત, ઉત્તરપશ્ચિમ ભારત સહિત પશ્ચિમ હિમાલય પ્રદેશમાં વ્યાપક વરસાદી ઝાપટા સહિત હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ, વાવાઝોડા અને કરા પડવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે રાજ્યોમાં આગામી 10 દિવસમાં મધ્ય, ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં વધુ વરસાદ અને કરા પડી શકે છે. તેનાથી ઉત્પાદન ઘટી શકે છે અને ફુગાવો વધી શકે છે.
આ રાજ્યોમાં આજે વરસાદની શક્યતા
હવામાન વિભાગે 16 થી 19 માર્ચ 2023 દરમિયાન વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદ માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પંજાબ, હરિયાણા, દિલ્હી એનસીઆર અને હિમાલયન ક્ષેત્ર સહિતના ઘણા વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.