Gujarat Rain: હજુ બે દિવસ આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણી લો લેટેસ્ટ આગાહી
છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદનું એલર્ટ છે. ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ માવઠાની સંભાવના છે.
રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. બુધવાર અને ગુરૂવારે પણ ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે માવઠું વરસી શકે છે. પ્રતિ કલાક 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
રાજ્યમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 2 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. હજુ પણ કમોસમી વરસાદ યથાવત રહેશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. અંબાલાલના અનુમાન મુજબ આજે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસવાનું અનુમાન છે. બપોર બાદ પાટણ મહેસાણા સહિતના આસપાસના વિસ્તારમાં ભારે પવનની સાથે વરસાદનું અનુમાન છે.
અંબાલાલ પટેલના આંકલન મુજબ આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદનું અનુમાન છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી 2 દિવસ બાદ રાજ્યમાં તબક્કાવાર વરસાદના જોરમાં ઘટાડાનું અનુમાન છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 10મે સુધી છૂટ્ટોછવાયો વરસાદ વરસી શકે છે. 10થી 12 મે વચ્ચે રાજ્યમાં ભારે પવન સાથે છૂટછવાયા વરસાદનું અનુમાન છે.
રાજુલા પંથકમાં મીની વાવાઝોડું
અમરેલીના રાજુલા પંથકમાં મીની વાવાઝોડું ફૂંકાયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. 65થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. રાજુલા શહેર અને ડુંગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. જાફરાબાદના નાગેશ્રી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. ધારાસભ્ય હીરા સોલંકીએ ગ્રામ્ય વિસ્તારમાં લોકો માટે શાળાઓ ખોલવા રજૂઆત કરી છે. પ્રાંત અધિકારીને શાળાઓ ખોલવા માટે રજૂઆત કરવામાં આવી છે.
રાજુલા અને જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક ગામડાઓમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે પાકને મોટાપાયે નુકસાન થવાની શક્યતા છે.





















