Bhavnagar Rain: મહુવામાં ભારે પવન સાથે 7 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
આજે સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભાવનગર જિલ્લામાં પણ આજે સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો છે.

ભાવનગર: આજે સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભાવનગર જિલ્લામાં પણ આજે સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મહુવામાં સાત ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ બની છે.
ભાવનગર જિલ્લામાં માવઠાએ ખેડૂતોને બરબાદ કર્યા છે. ભારે વરસાદના પગલે ખેડૂતોને ખૂબ જ મોટાપાયે નુકસાન સહન કરવાનો વારો આવશે. ભાવનગરના મહુવા તાલુકામાં સાત ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ થઈ છે. ધોધમાર વરસાદથી મહુવા પંથકમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
મહુવાના કતપર, વાઘનગર, ભાદરોડ ગામમાં વરસાદ વરસ્યો છે. નેસવડ, તેમજ કોટિયા કળમોદર ગામમાં પણ વરસાદ પડ્યો છે. બગદાણા, વાવડી સહિતના ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે.
રાજુલા પંથકમાં મીની વાવાઝોડું
અમરેલીના રાજુલા પંથકમાં મીની વાવાઝોડું ફૂંકાયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. 65થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. રાજુલા શહેર અને ડુંગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. જાફરાબાદના નાગેશ્રી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. ધારાસભ્ય હીરા સોલંકીએ ગ્રામ્ય વિસ્તારમાં લોકો માટે શાળાઓ ખોલવા રજૂઆત કરી છે. પ્રાંત અધિકારીને શાળાઓ ખોલવા માટે રજૂઆત કરવામાં આવી છે.
રાજુલા અને જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક ગામડાઓમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે પાકને મોટાપાયે નુકસાન થવાની શક્યતા છે.
અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. ભારે પવન સાથે વરસાદના કારણે અનેક વૃક્ષ ધરાશાયી થયા છે. અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે માવઠાનો માર યથાવત છે. અમરેલી જિલ્લામાં આજે ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાનવ વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે.
અમરેલી, સાવરકુંડલા, લીલીયા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ખાંભા, રાજુલા સહિતના તાલુકામાં બરબાદીનો વરસાદ વરસ્યો છે. લીલીયા પંથકમાં વરસાદના પગલે નાવલી નદીમાં પાણી વહેતા થયા છે. સાવરકુંડલાના મોટા ભમોદરા, જાબાળ સહિતના વિસ્તારમાં માવઠું પડ્યું છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. વીજપડી, મેરિયાણામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. સાવરકુંડલાના ભેકરા, નાની વડાલ, વીજપડી, બોરાલામાં વરસાદી ઝાપટા પડ્યા છે. ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ખડાધાર,બોરાળા ગીદરડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.




















