Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના
Mahakumbh2025: મહાકુંભનું આજે મહા પૂર્ણિમાનું સ્નાન મહત્વનું હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યાં છે. સ્નાન માટે જતાં એક ગુજરાતી યુવકનું મૃત્યું થયું છે.

Mahakumbh2025:પ્રયાગરાજમાં આજે મોટી સંખ્યામાં ભાવિકો મહા પૂર્ણિમાના સ્નાન લાભ લેવા એકઠા થાય છે. અહીં નવસારીના વાસંદાથી આવતા એક યુવકનું મૃત્યુ થયું છે. નવસારીના વાંસદાથી 35 વર્ષીય વિવેક પટેલ નામનો યુવક કુંભમાં સંગમ ઘાટમાં સ્નાન કરવા ગયો હતો, જો કે આ સમયે યુવકને ચક્કર આવતા તે અચાનક દ ઢળી પડ્યો હતો. ઘટના બાદ તેમને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો પરંતુ તબીબે તેમને મૃત જાહેર કર્યાં. આશાસ્પદ યુવકના મોતના સમાચાર મળતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના મિલન સ્થળ મહાકુંભ 2025માં ભક્તોનું પૂર છે. માઘી પૂર્ણિમાએ સંગમ ખાતે સ્નાન કરવા આવેલા શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પોની વર્ષા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 46 થી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે. મૃતદેહને વતન લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. યુવકનું મૃત્યુ હાર્ટ અટેકના કારણે થયું હોવાની આશંકા સેવાઇ રહી છે.
મહાકુંભમાં આજે મહા પૂર્ણિમાના અવસર પર શ્રદ્ધાળુઓ સ્નાન માટે મહાકુંભમાં પહોંચી રહ્યા છે. મહાકુંભના એડિશનલ મેળા અધિકારી વિવેક ચતુર્વેદીએ જણાવ્યું હતું કે આજે 'મહા પૂર્ણિમા'નું સ્નાન છે, આ વખતે મેળામાં ખૂબ ભીડ છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. બધી તૈયારીઓ કરી લેવામાં આવી છે. મહાકુંભ દરમિયાન મહા પૂર્ણિમા નિમિત્તે અત્યાર સુધીમાં 73 લાખથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે, જેમાં 10 લાખથી વધુ કલ્પવાસીઓનો પણ સમાવેશ થાય છે.
મેળા વહીવટીતંત્રે મહા પૂર્ણિમા પર એક નવો ટ્રાફિક પ્લાન અમલમાં મુક્યો છે. નવા ટ્રાફિક પ્લાન મુજબ, મેળા વિસ્તાર સહિત સમગ્ર શહેરને 12 ફેબ્રુઆરી સુધી નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. કલ્પવાસીઓના વાહનોને પણ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી. મેળા વિસ્તારમાં ફક્ત વહીવટી અધિકારીઓના વાહનો અને આરોગ્ય વિભાગના વાહનોને જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત, VVIP પાસ પણ રદ કરવામાં આવ્યા છે.
સીએમ યોગીએ પાંચમા અમૃત સ્નાન નિમિત્તે સંગમ કિનારે પહોંચેલા ભક્તો અને રાજ્યના લોકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, પવિત્ર સ્નાન પર્વ મહા પૂર્ણિમાની રાજ્યના તમામ ભક્તો અને લોકોને હાર્દિક શુભકામનાઓ! આજે પ્રયાગરાજમાં મહાકુંભ-2025માં સંગમમાં પવિત્ર સ્નાન કરવા આવેલા તમામ પૂજ્ય સંતો, ધાર્મિક નેતાઓ, કલ્પવાસીઓ અને ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ! ભગવાન શ્રી હરિ ની કૃપાથી દરેકનું જીવન સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યથી ભરેલું રહે. માતા ગંગા, માતા યમુના અને માતા સરસ્વતી બધાની મનોકામના પૂર્ણ કરે, આ કામના છે.





















