Rain: રાજ્યમાં અનેક રૉડ-રસ્તાં બંધ, વીજળી ગૂલ-પૉલ ધરાશાયી, 11 જળાશયો હાઇ એલર્ટ પર, વાંચો પ્રથમ વરસાદના કહેરની સંપૂર્ણ જાણકારી...
Rain News: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને બોટાદમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ તબાહી મચાવી દીધી છે

Rain News: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદે તબાહી મચાવી દીધી છે, સૌરાષ્ટ્રના હાલ બેહાલ થયા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ અને વાવાઝોડાના કારણે નીચાણવાળા વિસ્તારો સહિત મકાનો અને દુકાનોમાં પાણી ભરાયા છે. અનેક વિસ્તારોમાં વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા છે. કેટલીક જગ્યાએ હાઇવે અને નેશનલ હાઇવેને બંધ કરવા પડ્યા છે.
તો બીજીબાજુ ખેડૂતોના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અગાઉના વરસાદમાં બાજરીનો અડધો પાક પડી ગયો હતો. અત્યારે પડેલા વરસાદને કારણે મહત્તમ બાજરીના પાકને નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતો નુકસાનીને લઈ ચિંતામાં મુકાયા છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને બોટાદમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ તબાહી મચાવી દીધી છે. ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ભરાયા છે, જેમાં કેટલાકને હાઇ એલર્ટ અને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં 11 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 13 ડેમ એલર્ટ પર તો 10 જળાશય વૉર્નિંગ લેવલ પર મુકાયા છે. રાજ્યના 9 જળાશય 100 ટકા ભરાયા છે.
આ ઉપરાંત ભારે વરસાદ બાદ અત્યાર સુધી 584 લોકોનું સ્થળાંતર કરાયુ્ છે, જ્યારે 120 લોકોનું રેસ્ક્યૂ કરાયુ છે. NDRFની 12 ટીમ ડિસ્પૉય કરાઈ છે. બોટાદમાં 2 ટીમો, અમરેલી, દ્વારકા, ભાવનગરમાં 1-1 ટીમને ડિપ્લૉય કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત, પાટણ, કચ્છ, પોરબંદર, વલસાડમાં 1-1 ટીમ ડિપ્લૉય કરવામાં આવી છે. SDRFની પણ 19 ટીમ પણ આ કામગીરીમાં લાગી છે. ભારે વરસાદના કારણે અનેક રોડ-રસ્તા પણ બંધ થયા છે. રાજ્યમાં એક નેશનલ હાઈવે સહિત 189 રસ્તા બંધ છે. ભાવનગરનો નેશનલ હાઈવે બે દિવસથી છે બંધ છે. 10 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 153 રસ્તા બંધ છે. રાજ્યમાં વરસાદના કારણે અન્ય 25 રસ્તા પણ બંધ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે 12,953 ગામમાં વીજળી ગૂલ થઈ છે. કુલ 241 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાનો બાકી છે. આ સાથે 579 વીજપોલ અને 24 ટ્રાંસફોર્મર પર કામગીરી ચાલી રહી છે.





















