Gujarat Rain: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ 50 કિમી પ્રતિ કલાક સુધી રહેશે. 27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
અરબી સમુદ્રમાં હાલ વોલમાર્ક લો પ્રેશર સક્રિય થયું હોવાના કારણે વરસાદ વરસી રહ્યો છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. રાજકોટ, જુનાગઢ ,અમરેલી , પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગે કચ્છ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને દ્વારકામાં છૂટાછવાયા વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, તાપી, ડાંગમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. આ સાથે જ દીવ, દીમણ અને દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલ આ સિસ્ટમની દિશા ઉત્તર તરફની રહેવાની શક્યતા છે. જેના કારણે આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા અને જે પણ દરિયામાં છે તેઓ પરત ફરે તેવી સૂચના આપી છે.
વાવાઝોડાની આફતને લઈ સરકાર એક્શનમાં
ગુજરાત પર સંભવિત વાવાઝોડાની આફતને લઈ સરકાર એક્શનમાં છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 24 કલાક કાર્યરત છે. દરિયાકિનારાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. જૂનાગઢના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે માંગરોળ મત્સ્યઉદ્યોગ નિયામક કચેરીએ નિર્ણય કર્યો છે. 25 મે સુધી માછીમારી માટે દરિયામાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે.





















