Junagadh Rain: વંથલી- માંગરોળ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે વરસાદ વરસ્યો છે. જૂનાગઢ જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે. વંથલી, કેશોદ અને માંગરોળમાં વરસાદ પડ્યો છે.

જૂનાગઢ: સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે વરસાદ વરસ્યો છે. જૂનાગઢ જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે. વંથલી, કેશોદ અને માંગરોળમાં વરસાદ પડ્યો છે. માંગરોળ પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. માંગરોળ પંથકના શીલ, ચંદવાણા ગામમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે પવન ફૂંકાવાના કારણે માંગરોળ કેશોદ હાઈવે ઉપર તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું.
માંગરોળ કેશોદ હાઈવે પર અજાબ ગામ પાસે વૃક્ષ ધરાશાયી થતા થોડી વાર માટે માંગરોળ કેશોદ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. સ્થાનિકો દ્વારા વૃક્ષને રસ્તા પરથી હટાવવામાં આવ્યું હતું.
માળીયા હાટીનામાં કમોસમી વરસાદ
માળીયા હાટીના પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. માળીયાના ગળોદર,પાણીધ્રા, વીરડી સહિતના ગામમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. મગ,, તલ, અડદ સહિતના પાકમાં નુકશાનની ભીતિ છે.
વંથલી તાલુકામાં વરસાદ
વંથલીના વાતાવરણમાં પલટો આવ્યો છે. વંથલીમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. વથલીના કોયલી, શાપુર સહિતના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જૂનાગઢ જિલ્લાના વંથલી, માળીયા, મેંદરડા પંથકમાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો.
કમોસમી વરસાદને લઈ ખેડૂતો મુશ્કેલીમાં
વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. સતત કમોસમી વરસાદને લઈ જગતનો તાત ચિંતિત છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગાવડકામાં પણ વરસાદ વરસ્યો છે. અમરેલી બગસરા હાઈવે પર ધોધમાર વરસાદ અને ભારે પવનને લઈ વૃક્ષો ધરાશાયી થયા છે.
આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, તાપી, ડાંગમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. આ સાથે જ દીવ, દીમણ અને દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલ આ સિસ્ટમની દિશા ઉત્તર તરફની રહેવાની શક્યતા છે. જેના કારણે આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા અને જે પણ દરિયામાં છે તેઓ પરત ફરે તેવી સૂચના આપી છે.





















