ભારે વરસાદથી રાજ્યના 113 જળાશયો છલકાયા, સરદાર સરોવર ડેમમાં ૮૬ ટકાથી વધુ જળસંગ્રહ
ભારે વરસાદના પરિણામે રાજ્યના ૨૦૬ જળાશયોમાંથી ૧૧૩ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા જ્યારે ૪૩ જળાશયો-ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે
ભારે વરસાદના પરિણામે રાજ્યના ૨૦૬ જળાશયોમાંથી ૧૧૩ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા જ્યારે ૪૩ જળાશયો-ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના ૧૮ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે ૨૩ ડેમમાં ૨૫ થી ૫૦ ટકા વચ્ચે તેમજ ૯ ડેમમાં ૨૫ ટકાથી ઓછું પાણી સંગ્રહ થયું છે.
આ સિવાય ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૨,૮૭,૭૦૧ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૬ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૪,૩૯,૪૮૫ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૭૮.૪૫ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૮૧ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
વધુમાં અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં ૧.૧૪ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૭૯ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ઉકાઈમાં ૪૮ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૧૬ હજારની જાવક, વણાકબોરી જળાશયમાં ૨૧ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૨૧ હજારની જાવક અને કડાણા જળાશયમાં ૧૮ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૧૫ હજારની ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.
આ ઉપરાંત સૌથી વધુ મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૩ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૮૭ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૮૨ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૭૯ ટકા, જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૫૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સહિત ૨૦૭ જળાશયોમાં અત્યાર સુધીમાં ૮૧ ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ ૨૦૭ જળાશયોમાં ૭૬ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.
દક્ષિણ ગુજરાત પર વરસાદી આફતનો ખતરો ઉભો થયો છે. સુરત, નવસારી અને નર્મદા જિલ્લા પર આકાશી આફતની આગાહી વ્યકત કરવામાં આવી છે. આ આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે. હવામાન વિભાગના મતે પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે અને મધ્યમથી હળવા વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ જાહેર કરાયું છે.