(Source: ECI/ABP News/ABP Majha)
Panchmahal Rain: પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ગોધરાના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા
થોડા દિવસોના વિરામ બાદ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ગોધરા, હાલોલ ,કાલોલ, શહેરા ઘોઘંબા, મોરવાહડફ સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
પંચમહાલ: પંચમહાલ જિલ્લામાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. થોડા દિવસોના વિરામ બાદ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ગોધરા, હાલોલ ,કાલોલ, શહેરા ઘોઘંબા, મોરવાહડફ સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોધરામા બે કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. કાલોલમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો જેના કારણે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા.
ગોધરા નગરના મુખ્ય માર્ગો પર વરસાદની પાણી ભરાયા છે. ગોધરા સેવા સદન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગોધરા કોર્ટ સહિતના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા હતા. મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સરકારી કચેરીઓમાં કામકાજ અર્થે આવતા અરજદારો સહિત રાહદારી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
આણંદ જિલ્લામાં વરસાદી માહોલ
આણંદ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. બોરસદ અને આંકલાવમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોએ વરસાદમાં ભીંજાવાની મજા લીધી હતી. વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વખત આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. આજે અમદાવાદ શહેરમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે વરસાદ પડશે. આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સુરતમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભરુચમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ મુજબ, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, મહીસાગર અને ભરુચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. ભરુચમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
અમદાવાદ શહેરમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
Gujarat Rain Update: વિરામ બાદ મેઘરાજનો બીજો રાઉન્ડ શરૂ, આ જિલ્લામાં મનમૂકી વરસ્યો વરસાદ